અમદાવાદઃ સામાન્ય સંજોગોમાં રક્ષાબંધન પર્વના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે, જ્યારે ભાઈ બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ જાણિતા ગુજરાતી ગાયક કલાકાર મણિરાજ બારોટની ચાર દીકરીઓ છે. તેમાંથી રાજલ બારોટ પણ ગુજરાતી ગાયિકા છે. રાજલને ભાઈ ન હોવાથી તે પોતાની બહેનોને જ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે.
આ ગુજરાતી સેલિબ્રિટીને ભાઈ ન હોવાથી બહેનને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી - રાજલ બારોટ
આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ સેલિબ્રિટીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જે પૈકી ગુજરાતી ગાયિકા રાજલ બારોટને ભાઈ ન હોવાથી પોતાની ત્રણ બહેનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
રક્ષાબંધન ભાઈ-બહેનના સ્મિત અને પ્રેમનો તહેવાર છે. પરંતુ રાજલ બારોટ માટે આ ભાઈ-બહેનનો નહીં પરંતુ બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજલ બારોટ તેમની ત્રણ બહેનોને દર વર્ષે રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે અને બહેનને રક્ષાનું વચન પણ આપે છે.
માતા-પિતાના અવસાન બાદ ઘરની તમામ જવાબદારીનો બોજ રાજલ બારોટ પર આવી પડ્યો છે. રાજલે મોટી બહેન અને નાની બહેન ની જવાબદારી લઈ લીધી છે. બહેનોને ભણાવવાનું, રહેવાનું કે અન્ય કોઈપણ મુશ્કેલી પડવા દીધી નથી અને ત્રણ બહેનોની એક ભાઇની જેમ જ રક્ષા કરે છે.