ગુજરાત

gujarat

ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની આફત ટળી, ભારે વરસાદની શક્યતા

By

Published : Jun 3, 2020, 12:24 PM IST

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘નિસર્ગ’ વાવાઝોડું ભલે મહારાષ્ટ્ર તરફ ફંટાયું હોય, પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તેની અસર વર્તાશે. રાજ્યના સુરત, વલસાડ, નવસારી અને વાપી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજ્યના કાંઠા વિસ્તારમાં આવેલા 47 ગામોમાંથી અંદાજિત 20 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યાં છે.

ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની આફત ટળી
ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની આફત ટળી

અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, વાવાઝોડાને પગલે કાંઠા વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવી શકે છે. તકેદારીના ભાગરૂપે વલસાડ અને નવસારી જિલ્લા વહીવટી તંત્રએ કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કર્યું છે. આ બન્ને જિલ્લાઓમાંના કુલ 20 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે જણાવ્યું કે, “કાંઠા વિસ્તારમાં આવેલા 35 ગામોમાંથી 10 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા માટે અમારી ટીમો કામ કરી રહી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ 12 ગામોમાંથી 10,200 લોકોનું સ્થળાંતર કરાયું છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 13 અને SDRFની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. હજુ પણ અનેક લોકોની સ્થળાંતરની પ્રકિયા ચાલી રહી છે.”

ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની આફત ટળી


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર ઉપર સર્જાયેલું લૉ ડિપ્રેશન સુરતથી 670 કિમી દૂર છે અને આગામી 6 કલાકમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડુ ઉત્તર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ત્રાટકી શકે છે. જો કે દક્ષિણ ગુજરાતમાં તેની તીવ્ર અસર જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના સુરત, અમરેલી, ભાવનગર અને તાપી જિલ્લામાં 20 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details