- કવયિત્રી પારુલ ખખ્ખરની 'શબવાહિની ગંગા' કવિતાનો વિવાદ
- ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષે કરી આકરી ટીકા
- દેશમાં અરાજકતા ફેલાવવા માગતા લોકો કવિતાનો કરી રહ્યાં છે દુરુપયોગ
અમદાવાદ: ગુજરાત સાહિત્ય અકાદમી ( Gujarat Sahitya Academy ) ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ (Vishnu Pandya ) ગંગા નદીમાં તરતાં મૃતદેહો અંગે ગુજરાતી કવિ પારુલ ખખ્ખરની એક કવિતાની ટીકા કરી છે. આ કવિતામાં કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ -19 મહામારી અંગે ( Corona Pandemic ) જે રીતે પ્રબંધન કરવામાં આવ્યાં તેની નિંદા કરવામાં આવી છે. પંડ્યાએ કહ્યું કે દેશમાં 'અરાજકતા' ફેલાવવા માટે 'ઉદારતાવાદીઓ, સામ્યવાદીઓ અને સાહિત્યિક નક્સલીઓ' દ્વારા આ રીતે કવિતાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.
કવિતાનો વિરોધ કેમ થયો?
જોકે ઘણાં લેખકોએ પારુલ ખખ્ખરને ( Poet Parul Khakkhar ) ટેકો આપ્યો છે અને અકાદમી અધ્યક્ષ પંડ્યાના (Vishnu Pandya ) વલણની ટીકા કરી છે. પરંતુ અકાદમીના વડા તેમના મંતવ્ય પર મક્કમ છે કે પારુલની કવિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે અને ભારતીય લોકો, લોકશાહી અને સમાજને 'બદનામ' કરી રહી છે. પારુલ ખખ્ખરની 'શબવાહિની ગંગા' કવિતા ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદીમાં તરતી કોવિડ -19 ( Corona Pandemic ) દર્દીઓના મૃતદેહોનો સંદર્ભ આપીને રોગચાળાની બીજી લહેર દરમિયાન કેન્દ્ર સરકારે કરેલી વ્યવસ્થાઓ પર કટાક્ષ કરે છે.
શું કહેવું છે વિષ્ણુ પંડ્યાનું?
પારુલ ખખ્ખરની ( Poet Parul Khakkhar ) કવિતાનો વિવિધ ભાષાઓમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર પણ કરવામાં આવી છે. અકાદમીના સત્તાવાર પ્રકાશન 'શબ્દશ્રુતિ' ની જૂન આવૃત્તિમાં એક સંપાદકીય લેખમાં વિષ્ણુ પંડ્યાએ (Vishnu Pandya ) વિશેષરુપે કોઇ નામ લીધા વિા કવિતાની આલોચના કરી છે. પંડ્યાએ લખ્યું છે કે 'કેટલાક લોકોએ આ કવિતાની પ્રશંસા કરી છે પરંતુ આ કૃતિને જરા પણ કવિતા માની શકાય એવી નથી. આ ફક્ત વ્યર્થનો ગુસ્સો, શબ્દોની જુગલબંધી છે અને તે ભારતીય લોકો, લોકતંત્ર અને સમાજને બદનામ કરે છે. આપ તેને કવિતા કઇ રીતે કહી શકો છો? કવિતાનો દુરુપયોગ એવા લોકો દ્વારા કરવામાં આવ્યો છે જે કેન્દ્રવિરોધી છે અને તેની રાષ્ટ્રવાદી વિચારધારાના વિરોધ કરે છે. '