- ભાજપના જ પૂર્વ નેતા કાંતિ ગામીતના પૌત્રીની સગાઇમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા
- કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ થવાનો વીડિયો થયો વાઇરલ
- ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો જવાબ
અમદાવાદ: ભાજપના નેતા કાંતિ ગામીતે તેમની પૌત્રીની સગાઈમાં 1500થી 2000 લોકોની ભીડ ભેગી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, આ મુદ્દે પોલીસ હરકતમાં આવતા તેમના પુત્ર જીતુ ગામીત સામે ફરિયાદ નોંધાઇ છે. ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે ભડકી છે. આ ઘટનાની ગંભીર નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરીને કહ્યું છે કે, આ મામલે રાજ્ય સરકાર શું કરી રહી છે?
કાંતિ ગામીતની પૌત્રીની સગાઇના વીડિયો મામલે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, રાજ્ય સરકારની કાઢી ઝાટકણી રાજ્ય સરકારે મૌખિક રીતે તપાસના આદેશ આપ્યા
સોનગઢના ડોસવાડા ગામમાં ગુજરાત રાજ્યના પૂર્વ આદિજાતિ પ્રધાન અને સુમુલના ડિરેક્ટર કાંતિ ગામીતની પૌત્રીની સગાઈ અને તુલસી વિવાહનો કાર્યક્રમ ગત્ત 30 નવેમ્બરે યોજાયો હતો. આ પ્રસંગે 1500- 2000થી વધુ લોકો ભેગા થયા હતા અને માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ વગર ગરબા રમ્યા હતા, તેમના જમવાની પણ વ્યવસ્થા સમૂહમાં કરવામાં આવી હતી. આ સગાઈના પ્રંસગનો વીડિયો મંગળવારે વાઇરલ થયો હતો, ત્યારપછી સરકારે મૌખિક રીતે તપાસના આદેશ આપ્યા હતા.
ભાજપના જ નેતા કોરોનાની ગાઈડલાઈન્સથી સાવ અજાણ!
હાલ કોરોનાની ગાઈડલાઈન્સ અનુસાર કોઈપણ પ્રસંગમાં 100 વ્યક્તિથી વધુ લોકોએ ભેગા થવાનું નથી અને તેમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે, તેમજ પ્રસંગમાં આવનારા મહેમાનના શરીરનું તાપમાન માપવું ફરજિયાત છે. કાંતિ ગામીતના પ્રસંગમાં આ તમામ ગાઈડલાઈન્સના પાલનનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. મીડિયાએ આ અંગે જ્યારે કાંતિ ગામીતને પૂછ્યું ત્યારે તેઓ સાવ અજાણ્યા હોય તેવી રીતે માફી માગી લીધી હતી કે મારી ભુલ થઈ ગઈ છે. પોલીસની કોઈ પરવાનગી પણ લીધી ન હતી. આ અંગે પોલીસે મને જવાબ લખાવવા માટે બોલાવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે કેટલાક અતિ મહત્વના સવાલો કર્યો છે.
(1) આટલા લોકો ભેગા થયા ત્યાં સુધી SP શું કરતા હતા?
(2) SP પણ ભીડમાં સામેલ હતા?
(3) આ ઘટનાએ સરકારના કોરોના સંક્રમણને રોકવાના તમામ પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે?
ગુજરાત હાઈકોર્ટની ટકોર
ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે કે, ભીડ ભેગી કરનારા નેતા કહે છે કે તેમણે માત્ર 2000 લોકોને બોલાવેલા, પરંતુ વર્તમાન સમયમાં આ કેવીરીતે મંજૂરી પાત્ર બને? હાઈકોર્ટે કડક વલણ અપનાવતા આદેશ કર્યો છે કે આવી ઘટનાને કોઈપણ હિસાબે રોકવામાં આવે.