- સુઓમોટો અરજી પર હાઇકોર્ટનો ઓર્ડર
- ગુજરાત હાઇકોર્ટે કર્યો 43 પેજનો હુકમ
- રાત્રિ કરફ્યૂ લગાવવો પૂરતો ન હોવાનું કહ્યું
અમદાવાદ: હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને કરાયેલી સુઓમોટો અરજી પર સુનવણી હાથ ધરાઈ રહી છે. જેમાં બુધવારે ફરી એક વખત કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, કોરોનાને રોકવા માટે રાત્રિ કરફ્યૂ લગાવવો પૂરતો નથી. આ ઉપરાંત સરકારને આ અંગે કડક પગલા લેવા અને 11 મેના રોજ યોજાનારી વધુ સુનવણી દરમિયાન સોગંદનામુ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટનો 43 પાનાનો હુકમ: રાત્રિ કરફ્યૂ પૂરતો નહિ, સરકાર કડક પગલાં લે હાઈકોર્ટે ક્યા પ્રશ્નો કર્યા ?
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોશિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, હાઈકોર્ટ દ્વારા સરકારને GMDC ખાતે હાલ કાર્યરત બેડની સંખ્યા, રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન અને જરૂરિયાત, રેમડેસીવીરની વહેંચણીની પ્રક્રિયા અને 26 યુનિવર્સીટીમાં લેબોરેટરી ક્યારે તૈયાર થશે? તે અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આગામી સુનવણીમાં સરકારને સોગંદનામુ રજૂ કરવાનો આદેશ
આગામી 11 મેના રોજ નામદાર કોર્ટ ફરી વખત કોરોના સુઓમોટો પર સુનવણી કરશે, ત્યારે કોર્ટે સરકારને નવી માહિતી સાથે સોગંદનામુ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સોગંદનામુ 10 મે સુધીમાં રજૂ કરવાનું રહેશે. જેમાં નવા 21 RT-PCR મશીન સંદર્ભે સરકાર શું કરી રહી છે ? તે જણાવવાનું રહેશે. તેમજ ધન્વંતરિ હોસ્પિટલમાં સફાઈ મુદ્દે પણ નિર્દેશો કરવામાં આવ્યા છે. કોર્ટે ટકોર કરી છે કે, હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ અયોગ્ય છે.