યતીન ઓઝાને ગુજરાત હાઈકોર્ટે દોષિત જાહેર કર્યા
- યતીન ઓઝા સામે થયેલી કન્ટેમ્પ્ટ સુઓમોટો અરજીનો આવ્યો ચુકાદો
- હાઈકોર્ટે યતીન ઓઝાને કોર્ટની અવમાનના કરવા બદલ દોષિત કર્યા જાહેર
- ગુજરાત હાઇકોર્ટ બુધવારે યતીન ઓઝાને સંભળાવશે સજા
- યતીન ઓઝા દ્વારા કોર્ટમાં માફી અરજી પણ કરવામાં આવી હતી
- બોર્ડ પર કેસ લેવા અંગે યતીન ઓઝાએ રજિસ્ટ્રીર અને 3 જજિસ પર કર્યા હતા આક્ષેપો
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે બાર એસોસિયેશનના પ્રમુખ યતીન ઓઝાને કોર્ટના અપમાનના કેસમાં મંગળવારે દોષિત ઠેરવ્યા છે. હાઈકોર્ટ હવે બુધવારે તેમની સામે સજા સંભળાવશે. યતીન ઓઝા સામે થયેલી કન્ટેમ્પ્ટ સુઓમોટો અરજી દાખલ થઈ હતી, જેનો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે યતીન ઓઝાને દોષિત જાહેર કર્યો જસ્ટિસ સોનિયા બેન ગોકાણી અને જસ્ટિસ એનવી અંજારિયાની ગુજરાત હાઇકોર્ટની બેન્ચે 30 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. યતીન ઓઝા સામે ફેસબુક લાઈવ કરી કોર્ટની રજિસ્ટ્રીની ભૂમિકા પર ગંભીર આક્ષેપ કરી કોર્ટ અવમાનનો આરોપ છે. હાઇકોર્ટે જૂનમાં યતીન ઓઝાને આ મામલે સુઓમોટો ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ મોકલી હતી. જેમાં આરોપ હતો કે યતીન ઓઝાએ ફેસબુક પર લાઇવમાં હાઇકોર્ટ અને તેની રજિસ્ટ્રી સામે ભ્રષ્ટાચાર સ્તરના બિનજવાબદાર, સનસનાટીપૂર્ણ અને અવિચારી આક્ષેપો કર્યા હતા. જો કે, એક મહિના પહેલાં યતીન ઓઝાએ માફી માગવા છતાં હાઇકોર્ટે માફીની અરજી માન્ય રાખી નહી. તે અંગે યતીન ઓઝએ બિનશરતી માફી માગી હવે ભૂલ નહીં થાય તેવી રજૂઆત કરી હતી. જે અંગે કોર્ટમાં માફીની અરજી ગ્રાહ્ય રાખાઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે, યતીન ઓઝાએ મેટર ફાઇલ કરીને બોર્ડ પર લેવા મામલે રજિસ્ટ્રી અને 3 જજિસ સામે આક્ષેપ કર્યા હતા. આ આક્ષેપને પગલે હાઇકોર્ટે ઓઝ। સામે કન્ટેમ્પટ પિટિશન દાખલ કરી શો કોઝ નોટિસ પાઠવી હતી. ઓઝાએ આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉનમાં કોર્ટમાં આવતા નવા કેસને ફાઇલ કરવા અને સુનાવણી યોજવા મામલે રજિસ્ટ્રી ભેદભાવ કરી રહી છે. વગદાર લોકોના કેસ તરત બોર્ડ પર આવે છે, જ્યારે સામાન્ય લોકોના કેસ મુકાતા ધમકી આપવામા આવે છે કે, જજનું વલણ કડક છે તમે ધાર્યું પરિણામ નહીં મેળવી શકો. ત્યારબાદ ચીફ જસ્ટિસ વિક્રમનાથે યતીન ઓઝાના આક્ષેપની સત્યતા તપાસવા માટે ત્રણ જજની પેનલ બનાવી હતી. યતીન ઓઝા સાબરમતી બેઠક પરથી બે વખત ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય છે. 1995 અને 2001માં તેઓ આ બેઠક પરથી વિજયી થયા હતા. જો કે તેઓ ભાજપમાંથી રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા અને મણીનગરની બેઠક પરથી તે સમયે નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા હતા. 2012માં પાછા ભાજપમાં ફર્યા હતા. પછી દિલ્હીમાં મુખ્યપ્રધાન કેજરીવાલની હાજરીમાં આપમાં પણ જોડાયા હતા.