- BTechના વિદ્યાર્થીની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
- ડિપ્રેશનના કારણે પરીક્ષામાં નહોતો બેસી શક્યો વિદ્યાર્થી
- વિદ્યાર્થીને કૉલેજના અભ્યાસક્રમ માંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
- કૉર્ટે વિદ્યાર્થીનો અભ્યાસ ચાલું રાખવા દેવા માટેનો આદેશ આપ્યો
ગુજરાત હાઇકોર્ટે ડિપ્રેશનથી પીડાતા BTechના વિદ્યાર્થીની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. 2020માં ડિપ્રેશનમાં આવ્યા પહેલા એક્સીલેન્ટ અભ્યાસમાં સફળતા મેળવી ચૂકેલો વિદ્યાર્થી પરીક્ષામાં બેસી ન શકતા તેને કૉલેજના અભ્યાસક્રમ માંથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ માટે અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવતા કૉર્ટે કમિટીને પોતાનો નિર્ણય રદ કરી વિદ્યાર્થીને તેનો અભ્યાસ ચાલું રાખવા દેવા માટેનો આદેશ કર્યો હતો.
કૉર્ટે પોતાના આદેશમાં શું જણાવ્યું?
અરજદારે ધોરણ 12માં 85 ટકા અને JEEની પરીક્ષા ઉત્તીર્ણ કરી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં BTechમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2020ના પ્રથમ મહિનાથી જ ડિપ્રેશનમાં આવી જતા તે કોલેજની પરીક્ષામાં હાજર ન રહી શકવાના કારણે જોઈતા મિનિમમ ક્રેડિટ મેળવી ન શકતા તેને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કૉર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે મે-જૂન મહિનામાં તે સીવીયર ડિપ્રેશનમાં હતો. તેને વારંવાર આત્મહત્યા કરી લેવાના વિચારો આવતા હોવાથી તે પરીક્ષામાં હાજર નહોતો રહી શક્યો.
અરજદારની વાત પર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી: કૉર્ટ
18મી સપ્ટેમ્બર 2020ના રોજ શૈક્ષણિક સમીક્ષા સમિતિએ અરજદારને મિનિમમ 25 ક્રેડિટ ન મેળવી શકતા અભ્યાસક્રમ માંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. વધુમાં કૉર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, અરજદારની સ્થિતિ જાણીને અવિશ્વાસ કરવા માટે કોઈ કારણ મળતું નથી. કોરોનાની મહામારી બધા માટે વિપરિત પરિસ્થિતિ લઈને આવી હતી.