- રાજ્યના કાંઠા વિસ્તારોમાં ત્રાટકશે 'તૌકતે'
- ગુજરાતના 14 જિલ્લાઓ એલર્ટ
- NDRFની ટીમ સંપૂર્ણ રીતે સજ્જ
ન્યૂઝ ડેસ્ક: તૌકતે ચક્રવાતના પગલે ઉત્તર - ઉત્તર પૂર્વથી તે ઉત્તર પશ્ચિમ તરફ ફંટાઈને 17મીની મધ્યરાત્રીએ ગુજરાતનાં વેરાવળ ખાતેના દરિયાકાંઠે ત્રાટકશે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવશે. આથી ગુજરાતના 14 જિલ્લાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે જેને લઈને ગુજરાત અને દિવના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15મી મે શનીવારે રાત્રીથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શરૂઆત થશે તેવી આગાહી કરવામાં આવી છે.
તંત્ર સજ્જ છે : મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન કોરોના મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા, જ્યાં મુખ્યપ્રધાન ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જે બાદ મુખ્યપ્રધાને વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે તંત્ર સજ્જ છે, વાવાઝોડાથી પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લીધી છે. NDRFની ટીમ પણ ફાળવણી કરી દેવામાં આવી છે.
રાજ્યમાં વાવાઝોડના પગલે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ
એક બાજુ રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે અને મ્યુકોરમાઇકોસિસના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યાં રાજ્યમાં તૌકતે નામની બીજી આફતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ વાવાઝોડાને નાથવા માટે સરકારે પણ કમર કસી લીધી છે. રાજ્યના દરિયા કિનારે NDRFની 24 ટીમને ખડેપગે તકરવામાં આવી છે, જેમાં વલસાડ- 2, નવસારી- 1, સુરત- 2, ભાવનગર- 1, અમરેલી- 2, સોમનાથ- 2, જૂનાગઢ- 2, પોરબંદર- 2, દ્વારકા- 2, જામનગર- 2, મોરબી- 2, રાજકોટ- 2, કચ્છ- 2 ટીમ ખડેપગે કરવામાં આવી છે. આ અંગે NDRFના ડેપ્યુટી કમાન્ડર રણવિજયસિંહે જણાવ્યું હતું કે, વાવાઝોડાને પગલે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના આયોજન પ્રમાણે ઝીરો કેઝયુલ્ટીને ધ્યાનમાં રાખીને તમામ ટીમને પોતાની જગ્યા પર ફાળવી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં જ્યાં જૂના બિલ્ડિંગ હશે તે બિલ્ડિંગોને ખાલી કરાવવામાં આવશે અને લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.
વધુ વાંચો:તૌકતે વાવાઝોડાને લઇને ગુજરાતના દરિયા કિનારે NDRFની 24 ટીમ તૈનાત કરાઇ
જામનગરમાં ભૂવનેશ્વરથી પહોંચી NDRFની ટીમ
તૌકતે વાવાઝોડના કારણે જામનગર જિલ્લામાં થનારી સંભવિત અસરોને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ થઇ ગઇ છે. આ અંગે જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, વાવાઝોડું આગાહી અનુસાર 16થી ગુજરાતમાં પ્રવેશ કરશે તથા 17 મે અને 18 મે વચ્ચે જામનગર જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારબાદ જામનગરથી કચ્છ તરફ ફંટાઈ જશે. આથી જામનગર તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના 22 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. જરૂર જણાયે સુરક્ષિત સ્થળે ખસેડશે. આ ઉપરાંત જિલ્લામાં NDRFની ટીમ સજ્જ છે. ભૂવનેશ્વરની 126 સભ્યોની NDRFની ટીમ પણ જામનગર પહોંચી છે. મીઠાના અગરમાં કામ કરતા લોકો સુરક્ષિત સ્થળે ખસવા જણાવ્યું છે. દરિયો ખેડવા ન જવા માટે સાગરખેડૂને જાણ કરવામાં આવી છે. લોકોને મીણબત્તી, બાકસ, ટોર્ચ તથા જીવનનિર્વાહની પ્રાથમિક ચીજો તૈયાર રાખે. જે ઘરમાં નાના બાળકો, સગર્ભા બહેનો તથા વૃદ્ધો છે તેઓ સુરક્ષિત સ્થળે રહી ડોક્ટરના સંપર્કમાં રહે. લોકોને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોને ઘરમાં જ રહેવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે. આ ઉપરાંત વાવાઝોડાં દરમિયાન જો લાંબાગાળા માટે વીજ પ્રવાહ ખોરવાય તો કોવિડ હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોને વીજપ્રવાહની વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે. જામનગર મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલે જિલ્લા વહીવટીતંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડાંની અસરને પહોંચી વળવાની તૈયારીઓ અંગે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલો છે. બચાવ અને રાહતની સાધન-સામગ્રી સાથે વોર્ડ વાઇઝ તાંત્રિક ટીમનું ગઠન કરવામાં આવેલું છે, સાથે જ ફાયર વિભાગની ટીમોને પણ એલર્ટ કરવામાં આવેલી છે.
વધુ વાંચો:જામનગર દરિયા કિનારે તૌકતે વાવાઝોડાની થઈ શકે છે અસર
પોરબંદરમાં 30 ગામ એલર્ટ
તો આ તરફ પોરબંદર તંત્ર પર વાવાઝોડાના પગલે વધુ સતર્ક બન્યું છે. પોરબંદરના દરીયાકાંઠામાં 10 ફૂટ ઉંચા મોજા જોવા મળી રહ્યાં છે. પોરબંદરના દરિયાકિનારે 170ની ઝડપે પવન ફૂંકાતા ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને અનેક માધ્યમો દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તથા જર્જરિત જેવા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. પોરબંદરના દરિયા વિસ્તારના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વીજ પુરવઠો પણ ખોરવાઇ અને તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તથા દવાનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે. ખેતીવાડી અધિકારીના જણાવ્યાનુસાર, પોરબંદરના ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકો મારફતે ખેડૂતોને વાવેલો પાક જો કાપણી માટે તૈયાર હોય તો કાપી લેવો તથા ખૂલ્લામાં રાખવામાં આવેલા પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા તથા માર્કેટિંગ યાર્ડમાં પણ આવેલા અનાજના જથ્થાને સુરક્ષિત જગ્યાએ રાખવાની સૂચના આપી હતી.
વધુ વાંચો:વાવાઝોડાની અસરથી પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો
વાવાઝોડાના પગલે રાજકોટમાં કર્મચારીઓની રજા રદ્દ
રાજકોટ વહિવટી તંત્ર તોફાનને લઈને સાબદું થયું છે. તમામ લોકોને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે સાથે જ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. રાજકોટ શહેર સહિત 14 જીલ્લામાં ફાયરબ્રિગેડની ટીમને સંપૂર્ણ સમય સુધી સ્ટેન્ડ બાઈ રાખવામાં આવેશે. જેમાં 40 ફાયર ફાઈટર્સ, 30 બોટ, 1 FM વોલ્વો પ્લેટફોર્મ, 1 મલ્ટી ફંક્શન, 1 ફોન ટેન્કર, 2 વોટર ટેન્કર, 4 ડી પમ્પ ખડેપગે કરવામાં આવ્યા છે.
વડોદરામાં 15 ટીમ સ્ટેન્ડબાય પર
વાવાઝોડાના પગલે રાજ્યમાં તેની સાવચેતીના પગલાં લેવાઇ રહ્યાં છે તેવી જ રીતે વડોદરામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરાના જરોદ ખાતે આવેલા NDRF હેડ કવોટર્સ ખાતે ટીમ્સ તૈયાર કરવામાં આવી છે. વડોદરાના જરોદ NDRF હેડ કવોટર્સ ખાતેથી સ્પેશ્યલ સ્યુટ, રેસ્ક્યુ કીટ સાથે 4 ટીમ ગીર સોમનાથ તથા મોરબી રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 15 જેટલી ટીમો હેડ કવૉટર પર સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને NDRFદ્વારા તમામ ટીમોને પીપીઈ કીટ અને રેસ્ક્યુ માટેના સ્પેશ્યિલ સ્યૂટ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સમયગાળામાં લોકોને પણ જાગૃત રહેવા માટે જણાવવામાં આવ્યું છે.