ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાએ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ ૧૪ હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા, ત્યારે જાન્યુઆરીની 18 તારીખે સમગ્ર રાજ્યમાં 17,119 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. જેમાંથી 7883 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી. આજે 10 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 3, સુરત શહેરમાં 2 સુરત ગ્રામ્યમાં 3 અને ભાવનગર વલસાડમાં 1-1 મૃત્યુ નોંધાયુ છે.
અમદાવાદમાં ફાટ્યો કોરોના
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 5998 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 3563, વડોદરા શહેરમાં 1539 અને રાજકોટમાં 1336 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 7883 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 3,17,089 નાગરીકોને વેક્સિન અપાઈ
આજે રાજ્યમાં કુલ 3,17,089 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 43302 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 104040 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15થી 18 વર્ષના 58,291 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે. કુલ 16,18,666 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 57,420 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,53,79,500 રસીકરણ કરવામાં આવ્યું છે.