ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ જાન્યુઆરીના 6 તારીખે સમગ્ર રાજ્યમાં 4213 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે તાપી જિલ્લામાં 1 મૃત્યુ નોંધાયુ છે. સાથે જ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના ફાટ્યો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 1835 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1105, વડોદરા શહેરમાં 103 અને રાજકોટમાં 183 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 860 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
વડોદરામાં આજે કોરોનાના 176 કેસ નોંધાયા
વડોદરામાં આજે 176 કોરોના (Vadodara Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ કેસ 73,411 થયા છે, જેમાં 722 એક્ટિવ કેસ છે, કુલ 72,066 દર્દીને રજા આપવામાં આવી છે, સાથે જ કુલ 29,86,634 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે, જેમાં કુલ 51,149 બાળકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત ગ્રામ્યમાં કોરોના બ્લાસ્ટ
સુરત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. સુરત ગ્રામ્યમાં આજે કોરોનાના 88 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 24 કેસ બારડોલીમાં નોંધાયા છે, ઉપરાંત ચોર્યાસીમાં 17, માંડવીમાં 12, ઓલપાડમાં 10 કેસ નોંધાયા છે. તો કામરેજમાં 9, પલસાણામાં 7, મહુવામાં 6 અને માંગરોલમાં 3 કેસ નોંધાયા છે. સુરત જીલ્લાની વાત કરીએ તો આજના કોરોનાના કેસ પૈકી 3045 કોરોનાના એક્ટિવ છે, આજે સુરતમાં કુલ 1105 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના આજના 20 કેસ મળીને ઓમિક્રોનના એક્ટિવ કેસનો આંક 28 પર પહોચ્યો છે. આજનો મૃત્યુઆંક-00 અને ત્રીજી લહેરમાં કુલ મૃત્યુ-01 છે, જ્યારે શરૂથી આજદિન સુધી કુલ 110426 લોકો સ્વસ્થ થયા છે, સુરતમાં વેક્સિનેશનની વાત કરવામાં આવે તો 50720 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં 39032 બાળકોનું વેક્સિનેશન થયુ છે.
જૂનાગઢમાં કોરોનાના કેસમાં વધારો
પાછલા છ મહિના કરતાં વધુ સમય પછી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણના એકસાથે 32 કેસ સામે આવ્યા છે, જે ખૂબ ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે. ગઈ કાલ સુધી જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક આંકડામાં આવતા સંક્રમિત કેસોમાં આજે અચાનક 200 ટકાનો વધારો થયો છે. જે આવનારા દિવસોમાં જૂનાગઢ શહેર માટે ચિંતાનો વિષય બની શકે છે. પાછલા 6 દિવસ દરમિયાન જૂનાગઢ શહેરમાં 68 જેટલા કોરોના સંક્રમિત કેસો નોંધાયા હતા, જે પૈકીના આજે એક સાથે 32 કેસ નોંધવામાં આવ્યા છે. કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા 16 વ્યક્તિઓ આજે કોરોના સંક્રમણથી મુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 12706 લોકોને કોરોના રસીકરણ અંતર્ગત આવરી લેવામાં આવ્યા. અત્યાર સુધીમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં અંદાજિત 40000 જેટલા શાળામાં અભ્યાસ કરતા કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
ખેડા જિલ્લામાં આજે કોરોનાના 66 નવા કેસ નોંધાયા
48 કેસ નડિયાદ શહેરમાં જ્યારે નડિયાદ તાલુકામાં 57 કેસ નોંધાયા, નડિયાદના પીજ રોડ વિસ્તાર, મિશન રોડ વિસ્તાર, સિવિલહોસ્પિટલ રોડ, વૈશાલી સિનેમા, કોલેજ રોડ, રામ તલાવડી જેવા વિસ્તારોમાંથી કોરોનાના કેસ મળ્યા તો કોરોના હવે અંતરિયાળ ગામો સુધી પણ પહોંચ્યો, ખેડા જીલ્લાના ભુમેલ, કઠલાલ, સેવાલીયા, મહાદેવપુરા, ઉત્તરસંડા, અલીન્દ્રા, ઠાસરા,રઢુ જેવા ગામડાઓમાંથી પણ કોરોનાના કેસ મળ્યા છે. સતત વધતા કેસથી ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.
નવસારીમાં કોરોનાનો હાહાકાર
ગુજરાત ભાજપ સંગઠન મંત્રી શીતલ સોની કોરોના પોઝિટિવ, ધારાસભ્ય પીયૂષદેસાઇ કોરોના પોઝિટિવ આવતા, કોરોનાના માઈલ્ડ લક્ષણો રહેતા હોમ આઈસોલેટ થયા છે, Fb પર સંપર્કમાં આવનાર તમામને ટેસ્ટ કરવાની અપીલ કરી છે, ત્યારે કહી શકાય કે જિલ્લામાં રાજકારણીઓ સતત કોરોનામાં સપડાઈ રહ્યાં છે.
વલસાડ જિલ્લામાં આજે 107 કોરોના કેસ નોંધાયા
સૌથી વધુ કેસ વલસાડ તાલુકામાં 55 કેસ જ્યારે ધરમપુર અને કાપરડા માં 1-1 કેસ, 107 કોરોના કેસ પૈકી 56 પુરુષ અને 51 સ્ત્રીને કોરોના પોઝિટિવ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની યાદી મુજબ 107 કેસ સામે આવતા ખળભળાટ
આજે કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા
કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 77 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાંથી 50 કેસો અર્બન વિસ્તારોમાં અને 27 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 175 થઈ ગઈ છે. બીજી તરફ જિલ્લામાં આજે 20 દર્દીઓએ કોરોનાને માત આપી છે.