- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બન્ને પક્ષઓમાં તડાંમાર તૈયારીઓ
- ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ 10 દિવસ ગુજરાતના પ્રવાસે
- તમામ જિલ્લાના બૂથ લેવલના કાર્યકરો સાથે કરવામાં આવશે બેઠક
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોર્ટ મેટર છે, તેમાં ચૂંટણીપંચ નક્કી કરશે. જેમાં ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયાર છે. CM વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો નક્કી છે. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજથી 10 દિવસ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે. રાજીવ સાતવના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના માળખામાં ફેરફારની અને રચનાની જરૂરિયાત મુજબ જાહેરાતો કરવામાં આવે તેવી શકયતા પણ જોવા મળી રહી છે.
ચૂંટણી અંગે શું શું કરવામાં આવશે?
ચૂંટણીને લઈને નિરીક્ષકોને સોંપેલી જવાબદારી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આગામી 10 દિવસ દરમિયાન રાજીત સાતવની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકાઓના પ્રવાસ કરી બૂથ લેવલના કાર્યકરો સાથે ચર્ચા કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં 10 દિ' રોકાશે દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધને લઈ કોંગ્રેસે આપ્યું રિએક્શન
દેશમાં કૃષિ કાયદાને લઈને રાજકારણ ગરમાયું છે. કૃષિ કાયદાને લઈને ભાજપ અને કોંગ્રેસે બન્ને આમને સામને એક બીજા પર પ્રહારો કરી રહી છે. રાજ્ય કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું કે, કેટલાક રાજકીય પક્ષોને કૃષિ કાયદા અંગે તેમના સમજ શક્તિ ઓછી રહેલી છે. તેમને બિલ અંગે કોઈ સમજણ જ નથી એટલા માટે જ કેટલાક રાજકીય પક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાજીવ સાતવે કહ્યું કે, આંદોલનમાં ખેડૂતોને કોંગ્રેસનું સમર્થન છે. કેન્દ્ર સરકારે 3 કાળા કાયદાઓ બનાવ્યા જેનો છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. કૃષિ કાયદાને લઈને રાજીવ સાતવે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાજીવ સાતવે ત્રણેય કાયદાને કાળા કાયદા ગણાવ્યા હતા. ખેડૂતો રસ્તા પર આવે ત્યારે બધાએ ઘરે જવુ પડે છે તેવું નિવેદન રાજીવ સાતવે આપ્યું છે. ખેડૂતોનું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે, જ્યારે હાલ સરકાર સાથે ચાલતી વાતચીત વચ્ચે ભારતીય કિસાન સંઘે 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂતોએ આંદોલનને ઉગ્ર બનાવવાની સાથે ચિમકી આપી કે આગામી આઠમી ડિસેમ્બરે દિલ્લી તરફના તમામ રસ્તાઓ બંધ કરાશે. તો આજે સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક યોજાવાની છે.
ખેડૂતો રસ્તાઓ પર આવશે તો બધાંએ ઘરમાં જવું પડશે - સાતવ
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારને વિનંતી છે કે ખેડૂતોના અવાજને સાંભળે યોગ્ય નિર્ણય કરે. કારણ કે, ગત કેટલાય દિવસથી જગતનો તાત ખેડૂત રસ્તા પર વિરોધ નોંધાવી રહી છે. બિલ અંગે થઈ ખેડૂતોના મુદ્દાઓને સૌપ્રથમ કોંગ્રેસે જ ઉઠાવ્યો હતો. કારણ કે, રાજ્યસભામાં બહુમત ન હોવાથી અમને સસ્પેન્ડ કરી કૃષિ બિલ પાસ કરવામાં આવ્યું છે. બિલના વિરોધમાં કોંગ્રેસ પ્રથમ દિવસથી જ ખેડૂતોના સમર્થનમાં રહેલું છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમાં જોડાશે. ગુજરાતના તમામ જિલ્લાએ ખેડૂતો રસ્તાઓ પર આવશે તો બધા ઘરમાં જવાનો વારો આવશે તેવું નિવેદન પણ આપ્યું છે.