અમદાવાદ : 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ ગઈ છે, હવે 10 નવેમ્બરે પરિણામ આવશે, ત્યારે મતદારોનો ઝોક કઈ તરફ છે તેની સારી ખબર પડશે. કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાયા, અને ભાજપે આવા 5 ધારાસભ્યોને ટિકીટ આપી. આવા પક્ષ પલટો કરીને ઉમેદવારને મતદાર સ્વીકારે છે કે પક્ષને માન આપીને મત આપે છે.
આવો આપણે 8 બેઠકવાર વિશ્લેષણ પર એક નજર કરીએ…
(1) કચ્છની અબડાસા બેઠક- 61.31 ટકા મતદાન
કચ્છની અબડાસા બેઠક 6200 ચોરસકિલોમીટરનો વિસ્તાર ધરાવતી બેઠક છે, જેમાં 3 તાલુકા આવે છે અને 2 લાખ 34 હજાર મતદારો છે. અબડાસા બેઠક પર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પદ્મુમનસિંહ જાડેજા વિજેતા થયા હતા. આ પદ્મુમનસિંહ જાડેજા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. 3 નવેમ્બર, 2020ના રોજ પેટા ચૂંટણી યોજાઈ તેમાં ભાજપે ફરીથી પદ્મુમનસિંહ જાડેજાને ટિકીટ આપી હતી. કોંગ્રેસે તેમની સામે ડૉકટર શાંતિલાલ સીંગાણી પાટીદાર નેતાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ અને કોંગ્રેસની સીધી લડાઈમાં વચ્ચે ત્રણ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના મત કપાશે, એવું ગણિત મુકી શકાય.
અબડાસા બેઠકમાં કુલ 2,34,000 મતદારો છે, જેમાં 62 હજાર મુસ્લિમ મતદારો છે, 32 હજાર અનુસુચિત જનજાતિના ઉમેદવારો છે. 30થી 32 હજાર ક્ષત્રિય મતદારો છે. અને તેટલા જ પાટીદાર મતદારો છે. અબડાસા બેઠક પરથી કોંગ્રેસ જીતતું આવ્યું છે. પણ આ વખતે ભાજપે બે અપક્ષ ઉમેદવારોને ઉભા રાખ્યા છે, એવું કહેવાઈ રહ્યું છે. ને એક અપક્ષમાં મુસ્લિમ ઉમેદવાર છે. અપક્ષ ઉમેદવાર મજબૂત છે, એમ મનાઈ રહ્યું છે. આ અપક્ષ ઉમેદવાર મતો તોડશે. જેથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની હારજીત હાલ નક્કી કરવી ખૂબ મુશ્કેલ છે. જે પણ ઉમેદવાર જીતશે તે પાતળી સરસાઈ સાથે જીતશે.
(2) સુરેન્દ્રનગરની લીંબડી બેઠક- 56.04 ટકા મતદાન
લીંબડીમાં કુલ 2 લાખ 72 હજાર 81 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,43,853 પુરુષ અને 1,28,194 મહિલા મતદારો છે. લીંબડી બેઠક પર ભાજપમાંથી સૌથી વધુ વખત કિરીટસિંહ રાણા ચૂંટણી લડી ચુક્યા છે. દર વખતની લીંબડી બેઠક પર રસાકસી રહી છે. 2002માં કિરીટસિંહ રાણા કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડ સામે અત્યાર સુધીમાં સૌથી વધુ 19, 743 મતની લીડથી જીત્યા હતા. તેની સામે 2012માં ભાજપના કિરીટસિંહ રાણાને કોંગ્રેસના સોમાભાઈ પટેલ સામે 1561 મતની સરસાઈ મળી હતી. 2017માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના સોમાભાઈ ગાંડાભાઈ પટેલ જીત્યા હતા. કોંગ્રેસના આ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું. પણ ભાજપે તેમને ટિકીટ આપી નહી, પેટા ચૂંટણીમાં ભાજપે જૂના જોગી એવા કિરીટસિંહ રાણાને ફરીથી ટિકીટ આપી. તો તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર યુવા નેતા ચેતન ખાચરને ટિકીટ આપી હતી.
ચેતન ખાચર સામે વિવાદ થયો, બીજી તરફ સોમાભાઈ ગાંડાભાઈએ રૂપિયા 10 કરોડ લીધા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું તેવો વિડીયો વાયરલ થયો. એટલે કોંગ્રેસ સામે રોષ હોય તે સ્વભાવિક છે. જેથી લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાનો વિજય થાય તે નિશ્રિત છે, પણ સામે મતદાન વધુ થયું છે, જે કોંગ્રેસને ફાયદાકારક રહેશે. જેથી ભાજપની જીત થાય તો પણ ખૂબ ઓછા માર્જિન સાથે જીત થશે.
(3) મોરબી- 51.88 ટકા મતદાન
મોરબી ગુજરાતનું ઉદ્યોગ નગર છે. મોરબીમાં કુલ 2,71,467 મતદારો છે. મોરબી બેઠક છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ છે. ભાજપના કાંતિભાઈ અમૃતિયા 5 ટર્મથી સતત ચૂટાઈ આવ્યા હતા. જો કે પાટીદાર આંદોલન પછી 2017માં ભાજપે મોરબી બેઠક ગુમાવી હતી. અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા હતા. પણ રાજ્યસભાની ચૂંટણી વખતે બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું અને હવે તેઓ ભાજપના જ ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડ્યા છે. તેમની સામે કોંગ્રેસમાંથી જયંતિલાલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જો કે મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટફ ફાઈટ થઈ છે. બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. જેનો રોષ ચૂંટણીમાં જોવા મળે તેવી પુરી શક્યતા છે. આયાતી ઉમેદવારને મતદારો જાકારો આપે તો નવાઈ નહી. ભાજપ કે કોંગ્રેસ નો જે પણ ઉમેદવાર જીતશે તે ઓછી સરસાઈ મેળવીને જીત મેળવશે. જેથી મોરબી બેઠક પર સ્પષ્ટ અભિપ્રાય બાંધવો મુશ્કેલ છે.
(4) ધારી- 45.74 ટકા મતદાન સૌથી ઓછુ
2017માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે.વી.કાકડિયાને ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે દિલીપ સંઘાણી પર દાવ ખેલ્યો હતો, જેમાં કોંગ્રેસ ઉમેદવાર જે.વી.કાકડિયાને 66,644 મત મળ્યા હતા, જ્યારે BJPના ઉમેદવાર દિલીપ સંઘાણીને 51,308 મત મળ્યા હતા. આમ ધારી બેઠક પર કોંગ્રેસના કાકડિયા જીત્યા હતા. રાજ્યસભાની ચૂંટણી સમયે જે વી કાકડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ અને પેટા ચૂંટણીમાં ભાજપે જે વી કાકડિયાને ટિકીટ આપી તેમની સામે કોંગ્રેસે સુરેશ કોટડિયાને મેદાનમાં ઉતાર્યા હતા.
ધારી બેઠકનો ઈતિહાસ છે કે પક્ષ પલટો કરીને આવનારને મતદારો સ્વીકારતા નથી. 2007માં ભાજપના ઉમેદવાર બાલુભાઈ તંતી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા, અને કોંગ્રેસે તેમને જ ટિકીટ આપી ત્યારે ભાજપના મનસુખ ભુવાએ બાલુભાઈ તંતીને હરાવ્યા હતા. ત્યારે ધારી બેઠક પર ભાજપ જીત્યું હતું. 2020માં યોજાયેલી પેટા ચૂંટણીમાં અપક્ષ પિયુષ ઠુમ્મરનો વર્ચસ્વ વધારે રહ્યું છે, મતનું વિભાજન કરશે. તેમજ ધારીની જનતા પક્ષ પલટો કરીને આવેલા જે વી કાકડિયાને સ્વીકારશે નહી. બીજુ ધારીમાં મતદાન 43 ટકા મતદાન ઓછું થયું છે. જેથી કોંગ્રેસ બાજી મારે તેવી શકયતા છે.