અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આજ રોજ દેશના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન, શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથીએ શ્રદ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે, આદરણીય વાજપેયીજી તેમના જેવાં લાખો કાર્યકર્તાઓનાં પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. તેઓએ મૂલ્યો અને આદર્શોના આધાર ઉપર ભારતમાં સુશાસનના નવા યુગની શરૂઆત કરી હતી.
અટલજીની પુણ્યતિથિ પર પ્રદેશ ભાજપે આપી શ્રદ્ધાંજલી - સી.આર.પાટીલ
આજના જ દિવસે 16 ઓગસ્ટ, 2018ના રોજ પૂર્વ વડાપ્રધાન અને ભાજપના અગ્રણી નેતા અટલબિહારી વાજપેયીનું અવસાન થયું હતું. ભારતીય જનતા પાર્ટીની સૌપ્રથમ સરકાર બનાવનાર અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ ભાજપે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
અટલબિહારી બાજપાઈ
જનસંઘના સંઘર્ષકાળથી લઇ આજ સુધીમાં ભાજપને વટવૃક્ષ બનાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતા અને રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ આપણાં સૌને દેશહિત અને જનહિત માટે સદાય કાર્ય કરતા રહેવાની પ્રેરણાં આપતાં રહેશે.
સી.આર. પાટીલે દ્વિતીય પુણ્યતિથિ નિમિતે પ્રખર દેશભક્ત, કુશળ વક્તા-ચિંતક અને નિસ્વાર્થ સમાજસેવક એવાં આદરણીય અટલ બિહારી વાજપેયીને વંદન કર્યા હતાં.