- વિધાનસભાગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા
- દેશમાં અનુસૂચિત જાતિ પર અત્યાચારનો રેશિયો 22.8 ટકા
- ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ પર અત્યાચારમાં રેશિયો 34.8 ટકા
અમદાવાદ : વિધાનસભાગૃહમાં આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા થઇ હતી. ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઈમ બ્યૂરોના રેકોર્ડ આધારિત અનુસૂચિત જાતિના સમાજ પર એટ્રોસિટી અંતર્ગત ગુનાઓ થતા રહે છે. આખા દેશમાં અનુસૂચિત જાતિ પર અત્યાચારનો રેશિયો 22.8 ટકા રહ્યો છે. જ્યારે ગુજરાતમાં અનુસૂચિત જાતિ પર અત્યાચારનો રેશિયો 34.8 ટકા જેટલો ઊંચો રહ્યો છે. આમ ગુજરાત આભડછેટ અને અત્યાચારમાં 'અડીખમ' બની રહ્યું છે.
આ પણ વાંચો : મોરબીમાં અનુસુચિત જાતિને અપમાનિત કરવા મુદ્દે કાર્યવાહીની માંગ, નીતિન પટેલે શબ્દો પાછા ખેંચ્યા
અનુસૂચિત જાતિ સાથે અનેક અત્યાચાર
રાજ્યમાં અનુસૂચિત જાતિઓ પરના હુમલા, હત્યા, ખૂન, દુષ્કર્મ, અપહરણ અને આભડછેટ જેવા અસંખ્ય બનાવો બની રહ્યા છે. અનુસુચિત જાતિના લોકોના પીવાના પાણીના કુવા જુદા હોય છે, સ્મશાનગૃહ જુદા હોય છે, હજામ વાળ કાપી આપતો નથી, કરિયાણાની દુકાનથી અનાજ મળતું નથી, લગ્ન પ્રસંગે તેઓ ડીજે વગાડી શકતા નથી, લગ્નનો વરઘોડો કાઢવા પોલીસની મંજૂરી લેવી પડે છે. સામૂહિક હિજરત કરવા તેમને ફરજ પાડવામાં આવે છે. તેઓ ઘોડા ઉપર બેસી શકતા નથી. દાઢી-મૂછ રાખી શકતા નથી. તેમની જાતીય સતામણી કરવામાં આવે છે.
ભારતના અન્ય રાજ્યોની સ્થિતિ
ભારતના અન્ય રાજ્યો જેમ કે, ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિઓ પર અત્યાચારનો દર 28.6 ટકા છે. ઝારખંડમાં 16.3 ટકા, મહારાષ્ટ્રમાં 16.2 ટકા અને છત્તીસગઢમાં 10.4 ટકા છે. પણ ગુજરાત સૌથી મોખરે છે.
આ પણ વાંચો : વિરમગામના અનુસુચિત જાતિ સમાજે નાયબ કલેકટર અને ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર
સરકારી કચેરીમાં બાબસાહેબનો ફોટો રાખવામાં આવે
શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ડૉ. બાબા સાહેબના નામનો ઉપયોગ કોઈપણ પક્ષ કરે છે. પરંતુ ડૉ. બાબા સાહેબને રાષ્ટ્રીય નેતા જાહેર કરી, દરેક સરકારી કચેરીમાં તેનું તૈલ ચિત્ર મૂકવાનો સ્વીકાર કરતા નથી. આમ, અનુસુચિત સમાજ પ્રત્યે તેમને કેટલો પ્રેમ છે, તે સાબિત થાય છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં અનુસૂચિત જાતિ આયોગની રચના કરવામાં આવે. જેનાથી અનુસૂચિત જાતિ પર થયેલા અત્યાચારો પર યોગ્ય કાર્યવાહી કરી શકાય.
અનુસુચિત જાતિ સમુદાયની આવકમર્યાદામાં વધારો કરવામાં આવે
અનુસુચિત જાતિ સમાજના દીકરા-દીકરીઓની આવક મર્યાદા 4.5 લાખ છે. જ્યારે બિન-અનામત માટે 6.50 લાખ છે. ત્યારે અનુસૂચિત જાતિ માટે આવક મર્યાદા 6.50 લાખ કરવી જોઈએ. અત્યાચાર નિવારણ કમિટી જે સરકારે સરકારી બનાવી છે. તેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યપ્રધાન છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં સરકારે આ સમિતિની એક પણ બેઠક બોલાવી નથી.