- મતદારોએ પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા છે
- ભાજપનું બૂથ મેનેજમેન્ટ સફળ રહ્યું
- કોંગ્રેસના ગઢમાં ભાજપના કાર્યકરોની ફોજે ગાબડું પાડ્યું
અમદાવાદઃ ગુજરાતના સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સંગઠનાત્મક વ્યૂહરચના ઘડવામાં આવી હતી. ભાજપના જૂથવાદને સમાપ્ત કરવામાં પાટીલ સફળ રહ્યા છે. તે 8 બેઠક પરનું પરિણામ બતાવે છે.
મતદારોના મન કળવા અઘરા છે
સામાન્ય રીતે પક્ષપલટુઓને ગુજરાતના મતદારો સ્વીકારતા નથી, તે ઉક્તિ હાલ ખોટી ઠરી છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, જેમાંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને ભાજપે આ પાંચેય ધારાસભ્યોને ટિકિટ આપી હતી. તે તમામ ધારાસભ્યો ચૂંટણી જીતી ગયા છે. પક્ષપલટુઓને મતદારોએ સ્વીકાર્યા છે, અને મત પણ આપ્યા છે. હા... પક્ષપલટો કરવો તો સારી વાત નથી, તે મતદારો સાથે દગો કરવા સમાન છે. પણ મતદારોએ પક્ષપલટો કરનારને વધાવી લીધા છે અને ભાજપની વિચારધારાને મત આપીને જીત અપાવી છે.
ગદ્દાર ધારાસભ્યોને પાઠ ભણાવવા કોંગ્રેસે કમર કસી હતી
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ આઠેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા હતા. કોંગ્રેસનો ગઢ આજે ભાજપે આ ગઢને તોડી નાંખ્યો છે. આયાતી ઉમેદવારોને મતદારો બરાબરનો પાઠ ભણાવશે, તેવી ચર્ચા હતી, પણ ભાજપે બધુ ગોઠવી લીધું અને મતદારોના મનમાં ઠસાવી દીધું છે કે, વિકાસ કરવો છે તો ભાજપ જ જોઈએ. હિન્દુત્વ વિચારસરણીને અનુસરવી છે, તો ભાજપ જ જોઈએ. અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે, તો ભાજપ જ જોઈએ. કલમ 370 હટાવવા જેવો કઠિન નિર્ણય ભાજપ જ લઈ શકે. આ તકે એવું કહી શકાય કે, કોંગ્રેસના ગઢમાં મતદારોનો ઝોક ભાજપ તરફી થઈ ગયો છે.
હાર્દિક પટેલ પર હારનું ઠીકરું ફોડાશે?
પાંચ બેઠકો પર જ્યાં કોંગ્રેસના જ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપીને ઉભા રાખ્યા હતા, ત્યાં કોંગ્રેસે જ જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો. ગદ્દારોનો નારો આપીને પ્રચાર કર્યો, કોંગ્રેસના નવા ઉપપ્રમુખ હાર્દિક પટેલે જોરશોરથી પ્રચાર કર્યો, કોંગ્રેસ પ્રમુખથી માંડીને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ આ બેઠક પર ખૂબ પ્રચાર કર્યો. પણ કોણ જાણે મતદારો પર તેની કોઈ અસર ન પડી, પૈસા માટે વેચાઈ ગયેલા ધારાસભ્યોને જ મતદારોએ મત આપ્યો. કોંગ્રેસ માટે તો આ પરિણામ આધાતજનક છે, અને આંચકારૂપ છે. આ 8 બેઠકો પર પાટીદાર મતદારો પણ રીઝ્યા નથી. જેથી હારનું ઠીકરું કોંગ્રેસ હાર્દિક પટેલ પર ફોડશે. તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.