અમદાવાદઃ સુરતમાં કોરોનાના વધતા કેસને ડામવા માટે યોગ્ય પગલાં લેવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે ગુરુવારે રાજ્ય સરકાર તરફથી ડૉ.જયંતિ રવિએ રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, સુરતમાં ઔધોગિક એકમો હોવાથી મોટી સંખ્યામાં કામદારોને લીધે સંક્રમણ વધ્યું છે.
હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, કોરોનાને અટકાવવા માટે નિષ્ણાંતોની તપાસ કમિટીની ટીમે સરકારી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી.
સુરતમાં ઔદ્યોગિક એકમોને લીધે કોરોના સંક્રમણ વધુ ફેલાયું સરકારે જણાવ્યું કે, સુરતમાં કુલ 882 ઔધોગિક એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 492 એકમોમાં કોવિડ-19ના નિયમોના ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આ ઉપરાંત 750 જેટલા એકમોને નિયમોના ભંગ બદલ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. જેથી આ મામલે શુક્રવારે હાઈકોર્ટ મહત્વના નિર્દેશ આપી શકે છે. આ સાથે જ કોરોના ટેસ્ટિંગ મુદ્દે સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં એગ્રીસીવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે સુરતમાં કોરોનાની સ્થિતિ બગડતા આરોગ્ય વિભાગનો ઉધડો લીધો હતો અને અમદાવાદથી બસમાં સુરત જનારા તમામા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવાનો આદેશ કર્યો હતો.