- રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
- કોરોનાના કેસ ઘટ્યા હોવાથી નિયંત્રણોમાં છૂટછાટ આપી
- ત્રીજી લહેરને લઈ કુલ 2400 હોસ્પિટલ ઉભી કરશે તેવું સરકારે કર્યું પ્લાનિંગ
અમદાવાદઃ કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો સુનાવણી ઉપર ગઈ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે ( Gujarat High Court ) રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઈ કયા પ્રકારે આગોતરા આયોજન કરી રહી છે, તેની વિગતો રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારે આજે ગુરૂવારે રાજ્ય સરકારે આ મામલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે સોગંદનામામાં રજૂઆત કરી છે કે, કોરોના( CORONA)ના કેસ ઘટ્યા હોવાથી હાલ નિયંત્રણમાં છૂટછાટ આપવામાં આવી છે. વધુમાં સુપર સ્પ્રેડરના કારણે સમસ્યામાં વધારો ન થાય તે માટે 10 જુલાઈ સુધીમાં રસીનો પહેલો ડોઝ લેવો ફરજિયાત પણ બનાવવામાં આવ્યો છે.
જાણો શું કહ્યું એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટે ?
રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામાંને લઈને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, કોરોના( CORONA)ની ત્રીજી લહેરની શક્યતાને પગલે સરકારની આગોતરી યોજનાને લઈને સોગંદનામુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. જે કાલે શુક્રવારે ફરી યોજાનારી કોરોના સુઓમોટો( Corona Suomoto )ની સુનાવણીમાં આવરી લેવામાં આવશે. અહીં એક પ્રોજેક્શન કરવામાં આવ્યું છે કે, જો આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો સરકારનું આયોજન શું રહેશે. આ વિષયને લઇને રાજ્ય સરકારે તમામ વિષયોને આવરી લીધા છે. જેમાં મેડિકલ સ્ટાફ, દવા વગેરે જેવા વિષયો ઉપર કયા પ્રકારના આયોજન હશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ અંગેનું સોગંદનામું રજૂ કર્યું આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટમાં આજે કોરોના સુઓમોટો સુનાવણી, રાજ્ય સરકારે રજૂ કર્યું સોગંદનામુ
સરકાર હાલ કઈ કામગીરી કરી રહી છે?
સરકારે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, ખાનગી અને સરકારી હોસ્પિટલ( Government Hospital )માં બેડની વ્યવસ્થા બોર્ડ ઉપર મુકવામાં આવી છે. RT-PCR ટેસ્ટિંગ વધારી દેવાયું હોવાનો સરકારે દાવો કર્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં ક્રિટિકલ કેસોને ઝડપી સારવાર માટે હોસ્પિટલમાં સારી સુવિધા ઉભી કરવામાં આવી છે.
ત્રીજી લહેરની શક્યતાને પગલે આગોતરા આયોજન શું રહેશે?
રાજ્ય સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે, હાલ સરકાર વેક્સિનેશન ઉપર ભાર મૂકી રહી છે. આ ઉપરાંત વધુ ચાર જગ્યા ઉપર RT-PCR ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. બીજી લહેરમાં જેમ ઓક્સિજનની અછત સર્જાઈ હતી. તેમ ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે સક્ષમતા વધારી દેવામાં આવી છે. કોરોનાના કેસની સ્થિતિ જાણી શકાય તે માટે વેબ પોર્ટલમાં ગુજરાતના શહેર અને ગામડાની વિગત પણ મૂકવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકારે દાવો કર્યો હતો કે, સરકાર હાઇકોર્ટના નિર્દેશોનું પાલન કરી રહી છે. કોર્ટના આદેશ બાદ ટેસ્ટિંગ માટે નવા 44 મશીનો પણ ઓર્ડર કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ Gujarat High court news : કોરોનાની ત્રીજી લહેર સામે સરકારની તૈયારીનો જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ
સરકારે સોગંદનામામાં રજુ કરેલી આંકડાકીય માહિતી
આ સાથે રાજ્ય સરકારે સોગંદનામામાં કેટલીક આંકડાકીય માહિતી પણ રજૂ કરી છે. સૌપ્રથમ સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકાર સૌથી વધુ ભાર વેક્સિનેશન ઉપર આપી રહી છે. જેમાં વેપારીઓ માટે 10 જુલાઈ સુધીમાં રસીનો પહેલો ડોઝ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. વધુમાં રાજકીય સામાજિક અને ધાર્મિક મેળાવડાઓમાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે 200 લોકોને છૂટછાટ આપવામાં આવી છે. જોકે, લગ્નમાં 100 લોકો અને મૃત્યુના કિસ્સામાં 40 લોકોને છૂટ આપવામાં આવી છે. આ સાથે સરકારે સોગંદનામામાં કુલ 6911 વેન્ટિલેટર, 14 લાખ 5 હજાર 285 રેમડેસીવીર ઇન્જેક્શન ઉપલબ્ધ હોવાની પણ માહિતી આપી છે.