- ગાંધીની ટોપી પર થયો વિવાદ
- ભાજપના સંગઠન મંત્રીના એક ટ્વીટ પર સર્જાયો રાજકીય ગરમાવો
- ગોડસેની વિચારધારવાળા લોકો ગાંધી અને નેહરુને બદનામ કરવાનો પ્રયાસ કરે છેઃ દોશી
અમદાવાદ- ગુજરાત રાજ્યના ભાજપના તાજેતરમાં નવા નિમણુંક થયેલા સંગઠન મંત્રી રત્નાકરના એક ટ્વીટ પર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. સંગઠન મંત્રી રત્નાકરે ટ્વીટમાં કહ્યું કે, कांग्रेसियों @INCIndia ने हर बात में टोपी पहनाई है! गुजरात और महाराष्ट्र में पहनी जाने वाली "सफेद टोपी" जिसे कभी गाँधी जी ने नही पहनी, लेकिन जिसका गुजरात या महाराष्ट्र से कभी कोई पैतृक सम्बंध भी नही रहा, ऐसे नेहरू जी ने हमेशा यह टोपी पहनी लेकिन कही गयी "गाँधी टोपी" જેમાં રત્નાકરે ગાંધીજી અને જવાહરલાલ નહેરુનો ફોટો પણ એટેચ કર્યો હતો. જે અંગે થઈ કોંગ્રેસે ભાજપને ઘેરી વળતો પ્રહાર કર્યો છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ ભાજપ પર કર્યા પ્રહાર
ગાંધી ટોપીના વિવાદ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, ગાંધી અને સરદાર ગુજરાતમાં આવીને અંગ્રેજોની હેટને સલામ કરનારા ગાંધી ટોપીની વાતો કરે છે. ગોડસેની વિચારધારવાળા લોકો ગાંધી અને નેહરુને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. આઝાદીની લડાઈમાં ભાગ લેવાના બદલે અંગ્રેજોની ચાપલુસી કરી છે. આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું હોત તો આજે ઇતિહાસ બદલાનો પ્રયાસ ન કરવો પડ્યો હોત, પરંતુ કમનસીબે ભાજપની હકીકત ધીમે-ધીમે બહાર આવી રહી છે.
કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે ભાજપને કોંગ્રેસ ભવન આવી જ્ઞાન લેવાની વાત કરી
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ટ્વીટ કરી પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, રત્નાકરજી આપનું ગુજરાતમાં સ્વાગત છે, પણ અહીં આવ્યા પછી ગુજરાતની સંસ્કૃતિ અને રહેણીકરણીનો તો અભ્યાસ કરો. સફેદ ગાંધી ટોપી ગુજરાતની ઓળખાણ હતી. અમે જાણીએ છીએ કે, તમારો પહેરવેશ તો કાળી ટોપી હતી અને દેશની આઝાદીની લડાઈમાં નહોતા જોડાયા. ગાંધી ટોપી નહોતા પહેરતા. એટલે એ નહેરુદ્વેષમાં ના ખપાવો. વધુમાં જણાવ્યું કે, ગાંધીજીએ વસ્ત્રો ત્યાગી પોતડી જ પહેરવાની શરૂ કરી, ત્યારથી ટોપી પહેરવાની બંધ કરેલી પણ કોંગ્રેસના સૈનિકોના પહેરવેશમાં ટોપી અપનાવી લેવામાં આવી હતી. વોટ્સએપીયા જ્ઞાન ધરાવતા ઇતિહાસમાં શૂન્ય એવા ભાજપના આયાતી નેતા કોંગ્રેસ ભવન આવી જ્ઞાનનો લાભ લઇ શકે છે.