અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીએ માનવજીવનના તમામ ક્ષેત્રને અસર કરી છે, તેમા આવશ્યક બદલાવ લાવવાની ફરજ પાડી છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અર્થાત જાહેર વહીવટનું ક્ષેત્ર પણ તેમાથી બાકાત નથી. અમદાવાદ કલેક્ટર કચેરીમાં એક્ઝામ સેલની રચના કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓની બોર્ડ એક્ઝામ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેની એડમિશન એક્ઝામ કે પછી કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કર્મચારીઓની રિક્રુટમેન્ટ એક્ઝામ વિગેરે પરીક્ષાઓ જિલ્લા પ્રશાસનની સીધી દેખરેખ હેઠળ યોજાતી હોય છે.
અમદાવાદ કલેક્ટર કચેરીમાં ‘એક્ઝામ-સેલ’ની રચના, શું કામ કરશે આ સેલ? જિલ્લાના સેકડો પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાઓના સુપેરે આયોજનની જવાબદારી જિલ્લા કલેક્ટર કચેરીના શિરે હોય છે, જેમાં પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, વીજ પુરવઠા વિભાગ, વાહનવ્યવહાર વિભાગ, ટપાલ વિભાગ, પરીક્ષા લેનાર સંસ્થા-વિભાગ વિગેરે સાથે સંકલન સાધી પરીક્ષા યોજાતી હોય છે. હાલની કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ પરીક્ષા કેન્દ્રોના સેનેટાઇઝેશન અને પરીક્ષાર્થીઓની સ્વાસ્થ્ય દરકાર માટે આરોગ્ય વિભાગની ભૂમિકા મહત્વની બની છે. આવા સમયે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘એક્ઝામ-સેલ’ની રચના કરી વિભિન્ન પરીક્ષાઓના સફળ આયોજન માટે આગવી પહેલ કરવામાં આવી છે. પૂર્વે જિલ્લામાં યોજાતી પરીક્ષાઓના સંચાલન માટે નગરપાલિકા શાખા, ચીટનીશ શાખા અને મહેકમ શાખા વગેરે શાખાઓ સંયુક્ત રૂપે કામગીરી સંભાળતી હતી. અમદાવાદ જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB), ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC), લોક સંઘ સેવા આયોગ(UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન(SSC), જવાહર નવોદય ટેસ્ટ, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસ.એસ.સી. તથા એચ.એસ.સી.ની પરીક્ષા, ગુજકેટ-GUJCET, જે.ઇ.ઇ.-JEE મેઈન, નીટ-NEET, ગેટ-GATE, ટેટ-ટાટ(TET-TAT), કેન્દ્રિય શિક્ષણ બોર્ડ-CBSE બોર્ડની પરીક્ષા, બાયોટેકનોલોજી એલિજિબિલીટી ટેસ્ટ, ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ, આર્મી રિક્રુટમેન્ટ ટેસ્ટ, સૈનિક સ્કૂલ બાલાછડી દ્વારા યોજાતી પરીક્ષા અને કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાતી પરીક્ષા એમ 16થી વધુ પરીક્ષાઓમાં વર્ષે લાખો પરીક્ષાર્થીઓ બેસતાં હોય છે. આ એક્ઝામ સેલના વડા નિવાસી અધિક ક્લેક્ટર રહેશે. એક્ઝામ સેલમાં ચીટનીશ ટુ કલેક્ટર અને નાયબ મામલતદાર સહિતના અધિકારી તથા અન્ય કર્મચારીઓ ફરજ નિભાવશે. એક્ઝામ સેલની રચના થકી રાજ્યમાં આ પ્રકારની પ્રથમવાર પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, ભરતી પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને બોર્ડ એક્ઝામમાં બેસતાં જિલ્લાના લાખો પરીક્ષાર્થીઓના હિતમાં આ પહેલ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી આરોગ્ય વિભાગની કામગીરી મહત્વની બની છે. પરીક્ષા પૂર્વે અને બાદમાં પરીક્ષા કેન્દ્રોને સેનેટાઈઝ કરવામાં આવે છે. અમુક પરીક્ષાઓ માટે તો અમદાવાદ જિલ્લો જ રાજ્યનું મુખ્ય મથક હોય છે ત્યારે આરોગ્ય વિભાગ સહિત સંલગ્ન અન્ય તમામ વિભાગોને સાથે રાખીને એક્ઝામ સેલ કામગીરી કરશે.