અમદાવાદ: શહેરના આંગણે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદનું તંત્ર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે થનગની રહ્યું છે. તંત્ર દ્વારા આખરી તૈયારીના ભાગરૂપે એરપોર્ટની આસપાસ તેમજ ગાંધીઆશ્રમ સુધીના સમગ્ર વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ટ્રમ્પની મુલાકાતના પગલે સાબરમતી નદીમાં સફાઈ કામગીરી હાથ ધરાઇ - સાબરમતી રિવરફ્રન્ટની સફાઈ
અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગુરૂવારે સાબરમતી રિવરફ્રન્ટમાં રહેલા કચરાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાબરમતી ખાતે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ રહ્યું છે. ત્યારે એરપોર્ટથી લઈને ગાંધીઆશ્રમ સુધીના સમગ્ર રસ્તાઓને સુશોભિત કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં 1.50 લાખ જેટલી જનમેદના 'રોડ શો'માં ઉપસ્થિત રહેવાની શક્યતાઓને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, જે પણ પોલીસ અધિકારીઓ તેમજ સુરક્ષા એજન્સીઓને કાર્યભાર સોંપવામાં આવ્યો છે, તેમણે અત્યારથી જ પોતાની જવાબદારી ઉઠાવી લીધી છે.
ગુરુવારે સાબરમતી નદીના ઇન્દિરા બ્રિજ પાસે નદીના બન્ને કાંઠે પધરાવવામાં આવતી ધાર્મિક વસ્તુઓ જેવી કે શ્રીફળ, ચુંદડી, ફૂલ, ફળ, અબીલ ગુલાલ તેમજ અન્ય માતાજીની કે ભગવાનની મૂર્તીઓને તેમજ અન્ય કચરાને સાફ કરવા માટે તંત્ર દ્વારા જેટિંગ મશીનથી કચરો સાફ કરવામાં આવી રહ્યો છે.