અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે પણ અમદાવાદની ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23મી જૂન અષાઢી બીજના શુભદીને યોજાશે. પરંતુ આ વખતે માત્ર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ત્રણ રથમાં નિકળશે અને ૩ રથ સિવાય કોઈપણ ભક્તો કે કોઈ અન્ય વાહન રથયાત્રામાં જોડાઈ શકશે નહી.
ઈતિહાસમાં પ્રથમ વખત ભક્તો વિના ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે જગન્નાથજી મંદિર ટ્રસ્ટની મળેલી બેઠકમાં સોમવારે નિર્ણય લેવાયો છે કે, 23 જૂને ભગવાન જગન્નાથજીની 143ની રથયાત્રા સાથે નીકળશે. આ વિશે વાત કરતાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, દર વખતની જેવી ભવ્ય રથયાત્રા આ વખતે નહીં યોજાય, ભજન મંડળીઓ ટ્રક ઝાંખી કરાવતા વાહનો રથયાત્રામાં જોડાશે નહીં, ભગવાનના ત્રણ રથ સિવાય કોઈ જ વાહન જોડાશે નહીં. તેમજ અન્ય ભક્તો પણ આ રથયાત્રામાં જોડાઇ શકશે નહી, માત્ર મંદિરના પૂજારીઓ અને પરંપરા મુજબ રથ હંકારનાર આ સારથીઓ જ રથયાત્રામાં ભાગ લઈ શકશે.અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા પાંચમી જૂને યોજાશે. પરંતુ તેમાં શોભાયાત્રા નહીં હોય, જેમાં પૂજારી ટ્રસ્ટીઓ જ હશે. સાબરમતી નદીમાંથી સાદગીપૂર્ણ વિધિ કરી પૂજારીઓ મંદિર પરત ફરશે. આ ઉપરાંત 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે. જો કે તે દિવસે સૂર્યગ્રહણ હોવાથી બપોરે ચાર વાગ્યા બાદ પૂજારીઓ અને મહંતોની હાજરીમાં નેત્રોત્સવ વિધિ સંપન્ન થશે. રથયાત્રા વખતે સરસપુરમાં મામેરુ કોણ કરશે અને કેટલા લોકો મામેરામાં આવશે એ મુદ્દે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. હાલમાં ભગવાનના ત્રણેય રથનું રંગરોગાન ખલાસી ભાઈઓ દ્વારા શરૂ કરાયું છે. જોકે રથને વિશેષ શણગાર માટેની વ્યવસ્થા કરાઇ નથી. ૩૦ જેટલા ખલાસી ભાઈઓ જ પરંપરા મુજબ વ્રત ચલાવશે અને ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે કે નહીં તે અંગે આગળ નિર્ણય લેવામાં આવશે.