અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ICU વૉર્ડમાં 10 દર્દીઓ સારવાર હેઠળ હતા. તેમની સાથે મેડિકલ સ્ટાફ પણ હતો. હૉસ્પિટલમાં અચાનક સ્પાર્ક થયો અને દર્દીના એટેન્ડન્ટની PPE કિટમાં આગ લાગી. થોડાક જ સમયમાં આ આગે સમગ્ર ICU વૉર્ડને કબ્જામાં લઈ લીધી અને તમામ દર્દીઓ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
શ્રેય હોસ્પિટલમાં આગ કાબૂમાં લેનારા ફાયરબ્રિગેડના જવાનો ક્વોરેન્ટાઇન થયા
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનો એ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને 40 કોરોના દર્દીઓને બહાર કાઢ્યા હતા. પરંતુ આ દ્વારા તેઓ કોરોના દર્દીઓના સીધા સંપર્કમાં આવવાને કારણે તેમને હાલ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ ફાયર બ્રિગેડના અધિકારીઓને કરવામાં આવતા તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને પોતાની ચિંતા કર્યા વિના હોસ્પિટલમાં દાખલ થયેલા 40 કોરોનાના દર્દીઓને બહાર કાઢ્યા હતા. આ રીતે તેઓ કોરોનાના દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યા હતા. જેથી તેમને હાલ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ અંગે અમદાવાદ ફાયર વિભાગે જણાવ્યું હતું કે, રાત્રે તેમની ટીમ પહોંચી ત્યારે આખો ICU વૉર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. અને ધૂમાડો હોસ્પિટલના બીજા માળ સુધી પહોંચી ગયો હતો. આ માળ પર 40 દર્દીઓ દાખલ હતા જેમાંથી કેટલાક ઑક્સિજન પર હતા. આ સમયે હોસ્પિટલમાં દર્દીઓ ખૂબ જ ડરી ગયા હતા પણ 40 ફાયર જવાનોની ટીમે તેમને સલામત રીતે બહાર કાઢી SVP હોસ્પિટલમાં ખસેડ્યા હતા.