- ઘાટલોડિયામાં મતદાન મથકમાં બબાલ
- ભાજપને આમ આદમી પાર્ટીના કાર્યકરો આવ્યા સામ-સામે
- AAPના ઉમેદવારને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ
અમદાવાદ:મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં અનિચ્છનીય બનાવ સામે આવ્યા હતા. જેમાં અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલના મતદાન મથકમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમિત પંચાલના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા. જેને લઇને આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી છે.
AAPના ઉમેદવાર સાથે મારામારી AAPના ઉમેદવારે કર્યા આક્ષેપ
આપના ઉમેદવાર અમિત પંચાલે નોંધાવેલી FIRમાં જાણવા મળ્યું છે કે, તેમના પર હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. તો વધુમાં કહ્યું કે ત્રિપદા સ્કુલના મતદાન મથક નજીક ભાજપના કાર્યકરો 100 મીટરના દાયરામાં રહીને ભાજપનો પ્રચાર કરતા હતા. તેમની ફરિયાદ ચૂંટણી કમિશનના અધિકારીને કરતા અધિકારીઓએ તરત જ ભાજપના કાર્યકરોને મતદાન મથક નજીકથી હટાવ્યા હતા. જેને લઈને રોષે ભરાયેલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમિત પંચાલને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. મતદાન મથકમાં થયેલી મારા મારીને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પોલીસ તપાસમાં તેમને ભરોસો છે.