- ભારતમાં કેન્સર વધુ ઘાતક બની રહ્યો છે
- 2018માં ભારતમાં કેન્સરનાં દર્દીઓની સંખ્યા 11 લાખથી વધુ હતી
- મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર એક મોટી સમસ્યા
અમદાવાદ: કેન્સરને લઇને તમામ પ્રકારના મૂંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) દ્વારા કેન્સરની જનજાગૃતિ માટે કામગીરી કરવામાં આવી રહી છે. GCRI છેલ્લા 6 વર્ષથી કેન્સરની જનજાગૃતિને લઈને કામગીરી કરે છે. ભારત જેવો દેશ કે જ્યાં સૌથી વધુ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. ત્યારે ડૉ.પરિસીમા દેસાઈનું કહેવું છે કે, મહિલાઓએ સંકોચ મુક્ત થઇને સ્તન, ગર્ભાશય અને અન્ય પ્રકારનાં કેન્સરની ચકાસણી માટે થતા ટેસ્ટ નિયમિત કરાવવા જોઇએ.
દરેક ગાંઠ કેન્સરની નથી હોતી, પરંતુ મોટાભાગનાં કિસ્સાઓમાં કેન્સરને નોતરે છે
માનવ શરીર અનેક કોષોનું બનેલું છે. કોષોના સપ્રમાણ વિભાજનથી બધા અંગોનો વિકાસ થાય છે. કેટલીક આંતરિક ખામી અને બાહ્ય પરિબળોના કારણે કોષોની વૃદ્ધિ અને વિભાજનની ક્રિયાની લય તૂટી જાય છે. આથી કોષોની કાબૂ બહારની વૃદ્ધિ શરીરમાં ગાંઠ કે ચાંદા રૂપે દેખાય છે. શરીરમાં થતી તમામ ગાંઠો કેન્સરની તો નથી હોતી. પરંતુ વધારે પડતા કિસ્સામાં તે કેન્સરમાં પરિણમે છે. કેન્સરના સર્વસામાન્ય લક્ષણોમાં શરીરના કોઇપણ ભાગમાં લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ, સ્તનમાં ગાંઠ, યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું, શરીરનાં કોઇપણ ભાગમાં ગાંઠ હોવી, શરીરનાં કોઇપણ ભાગમાંથી અસામાન્યપણે લોહી પડવા જેવા લક્ષણો મોટા ભાગે જોવા મળે છે.
જાણો કેન્સરની સારવારનાં ચાર મુખ્ય પ્રકાર
કેન્સરની સારવાર મુખ્યત્વે 4 પદ્ધતિઓ દ્વારા થાય છે, જેમાં શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર(રેડિયોથેરાપી) અને દવાઓની સારવાર (કિમોથેરાપી), રાહતદાયી સંભાળ(પેલિએટિવ કેર)નો સમાવેશ થાય છે. શસ્ત્રક્રિયામાં કેન્સરગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવે છે. રેડિયોથેરાપીમાં કેન્સરગ્રસ્ત કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે. કિમોથેરાપીમાં કેન્સર વિરોધી દવાઓ આપવામાં આવે છે, જ્યારે પેલિએટિવ કેરમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોમાં કાઉન્સેલીંગ દ્વારા માનસિક રીતે મક્કમ બનાવવાની સારવાર આપવામાં આવે છે.
મોઢાનું કેન્સર ના થાય તે માટેની તકેદારીઓ
મોંઢા અને ગળાનાં ભાગમાં થયેલા કેન્સરને અટકાવવા માટે ખાસ કરીને કોઇપણ પ્રકારનું વ્યસન ટાળવું જોઇએ. મ્હોંની સ્વચ્છતા જાળવવા માટે દિવસમાં બે વખત બ્રશ કરવું જોઇએ. તૂટેલા દાંત કે દાંતની અન્ય તકલીફોની ડેન્ટિસ્ટ પાસે તાત્કાલિક સારવાર કરાવવી જોઇએ અને બને ત્યાં સુધી દર મહિને અરીસા સામે ઉભા રહીને મોંઢાની જાતે જ તપાસ કરવી જોઇએ.