અમદાવાદ : જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભરકુંડાના ખેડૂત સંજયભાઈ પટેલે તેમના ખેતરમાં શેઢા પર નીલગીરીનું વાવેતર કરી વધારાની આવક મેળવવાનું આયોજન હાથ ધર્યું છે. સંજયભાઈ 40 વીઘા જમીન ધરાવે છે. સામાન્યપણે તેઓ ડાંગર અને ઘઉંની ખેતી કરે છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ તેમણે નીલગીરીના 700થી વધુ રોપાનું વાવેતર કર્યું છે.
સંજયભાઈએ નવ મહિના પહેલા નીલગીરીના રોપાનું વાવેતર કર્યું હતું. શેઢા પર નીલગીરીનું વાવેતર કરવા પાછળનો ઉદ્દેશ જણાવતા તેઓ કહે છે કે, ’શેઢા પર કોઇપણ પ્રકારની દવા, ખાતર કે પાણીની જરુર પડતી નથી. તેમજ વૃક્ષને વધુ માવજતની પણ આવશ્યકતા પણ નથી. આ વાવેતરનો લાભ મને 4 વર્ષે થશે. જે મારી ખેતી સિવાયની વધારાની આવક હશે.’