નકલી PSI બની રોફ જમાવનાર ઈસમની ધરપકડ - અમદાવાદના સમાચાર
અમદાવાદ: નકલી પોલીસ બનીને ફરતા ઈસમની પોલીસે ધરપકડ કરી છે. સોલા બ્રિજ પાસે શી ટિમ કાર્યરત હતી તે દરમિયાનમાં પિસ્તોલ લગાવનાર અને પોતે PSI હોવાની ઓળખ આપનાર ઇસમનું આઈકાર્ડ માંગતા તે ફરાર થઈ ગયો હતો. આ મામલે સોલા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી હતી અને નકલી PSIની ઓળખ આપનાર ઇસમને ઝડપી પાડ્યો છે.
શહેરના સોલા વિસ્તારમાં સોલાબ્રિજ પાસે શી ટીમની 3 મહિલા પોલીસકર્મી કામ કરી રહ્યા હતા. તે દરમિયાનમાં એક ઈસમ કમરમાં પિસ્તોલ લગાવીને ઉભો હતો. આ ઈસમ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ઇસમે પોતે PSI હોવાની ઓળખ આપી હતી. તેનું આઈકાર્ડ માંગતા તેની પાસે નહોતું જેથી ઇસમને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું, પરંતુ આ ઈસમ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે વાહનના નંબરના આધારે પાર્થ સુથાર નામની વ્યક્તિની ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ગાડી અને પિસ્તોલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.