અમદાવાદઃ રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોરોનાના નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના વેચાણ થતા હોવાનો પર્દાફાશ કર્યો હતો. 400 મિલિગ્રામના ઇન્જેક્શનનું સુરતથી વેચાણ થતું હોવાનું રાજ્યવ્યાપી કૌભાંડ હતું. જે બાદ અમદાવાદમાં ખાનગી તબીબના ત્યાં દાખલ થયેલા દર્દીને આ ઇન્જેક્શન અપાયું હતું અને દર્દીના સગાને ગુણવત્તા બાબતે શંકા જતા ફરિયાદ કરી હતી.
વાંચોઃ સુરતમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના બનાવટી જથ્થાના વેચાણનું મસમોટુ કૌભાંડ ઝડપાયું
ઔષધ નિયમન તંત્રએ સુરતમાંથી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન 400 મિ.ગ્રાના બનાવટી જથ્થાના વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરિયલ મળી આવ્યુ છે. જેથી વિભાગે ઘરની અંદરથી મીની મશીન સાથે રૂપિયા 8 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સાબરમતીની મા ફાર્મસીના આશિષ શાહ દ્વારા રોકડેથી 1.35 લાખમાં ઇન્જેક્શન ખરીદવામાં આવ્યા હતા. જો કે, તેઓ પાસે આ દવાનો કોઇ જથ્થો મળી આવ્યો ન હતો. પરંતુ તેઓએ આ ઇન્જેક્શન ચાંદખેડાના હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી વગર બીલે રોકડેથી 80,000માં 4 બોક્સ ખરીદ્યા હતા. જે પૈકી 3 બોક્સ ફાર્મસીને આપ્યા હતા અને ખબર પડતા 1 બોક્સનો નાશ કર્યો હતો. હર્ષ ભરતભાઇ ઠાકોરની પૂછપરછ કરતાં તેઓ આ ઇન્જેક્શનના પાલડી હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના નિલેશ લાલીવાલા પાસેથી વગર બીલે 70 હજારમાં ખરીદ્યા હતા.
જ્યવ્યાપી નકલી ઇન્જેક્શન કૌભાંડ મામલે વધુ 1 ગુનો નોંધાયો તપાસ બાદ તમામ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. આ ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અધિકારી તરફથી આપવામાં આવી છે. જેમાં આશિષ શાહ, અક્ષય શાહ, હર્ષ ઠાકોર, નિલેશ લાલીવાલા, સુરતના સોહેલ તાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ 308, 406, 276, 120 b, તથા ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટ 1940ની કલમ 18 (a) (c), 27 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.