- ગુજરાતના પર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાની (Former CM Suresh Mehta) એક્સક્લૂઝિવ મુલાકાત
- અત્યારની ભાજપ પાર્ટી સ્વાર્તી પાર્ટી બની ગઈ છેઃ સુરેશ મહેતા
- ટૂંકી દ્રષ્ટી છોડો અને ભાવિ પેઢીનું વિચારોઃ સુરેશ મહેતા
- ખજૂરાહો કાંડ શંકરસિંહએ (Shankar sinh Vaghela) ખોટુ કર્યું હતુંઃ સુરેશ મહેતા
- અટલ બિહારી વાજપાયીના (Atal Bihari Vajpayee) કહેવાથી હું મુખ્યપ્રધાન બન્યો હતોઃ સુરેશ મહેતા
અમદાવાદઃ વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપને ભવ્ય જીત મળી અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. તેના કારણે શંકરસિંહ વાઘેલા નારાજ થયા હતા. કેશુભાઈ પટેલની કામગીરીથી કેટલાક ધારાસભ્યોમાં અસંતોષ હતો. તેના પરિણામે શંકરસિંહ વાઘેલા પોતાના સમર્થક એવા 46 ધારાસભ્યોને લઈને મધ્યપ્રદેશના ખજૂરાહો ગયા હતા. આ ખજૂરાહો કાંડ પછી કેશુભાઈ અને શંકરસિંહ વચ્ચે સમાધાન થયું અને બંને જૂથમાં કોઈ એક જૂથના નહીં એવા સુરેશ મહેતાને (Former CM Suresh Mehta) મુખ્યપ્રધાન બનાવાયા હતા. તે વખતે અટલબિહારી વાજપેયીના કહેવાથી સુરેશ મહેતા 21 ઓકટોબર, 1995ના દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા (Former CM Suresh Mehta) સાથે ETV Bharatએ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, અત્યારની ભાજપ પાર્ટી ખૂબ જ સ્વાર્થી બની ગઈ છે. અગાઉ જે ચૂંટણી લડાતી હતી. તે સ્થાનિક પ્રજાના પ્રશ્નો અને મુદ્દાઓને લઈને લડાતી હતી. શંકરસિંહ વાઘેલાએ જે ખજૂરાહો કાંડ કર્યો હતો. તેના સાક્ષી રહેલા સુરેશ મહેતા કહે છે કે, શંકરસિંહે ખોટુ પગલું ભર્યું હતું અને ગુજરાત પાસે વિકાસની ખૂબ મોટી તક રહેલી છે, પણ આજે વિકાસ થઈ રહ્યો છે કે, માત્ર વ્યક્તિલક્ષી વિકાસ થાય છે અને નૈતિકતા ખૂબ જ નીચલા સ્તરે જતી રહી છે. આ શબ્દો છે પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાના. આવો આપણે તેમની સાથે રૂ-બ-રૂ થઈએ.
પ્રશ્નઃ તમે ભારતીય જનસંઘના (Bhartiya Jan Sangh) પાયાના કાર્યકર્તા રહી ચૂક્યા છો તો જનસંઘ અને આજના ભાજપ વચ્ચે શું તફાવત છે?
જવાબઃ જનસંઘ સમર્પણથી કામ કરતું હતું અને આજે ભાજપ સ્વાર્થી બની ગયું છે. બંને વચ્ચેનું અંતર એટલું છે કે, ત્યાં ત્યાગ હતો અને અહીંયા ભોગવવાની વૃત્તિ છે.
પ્રશ્નઃ તમે વર્ષ 1975થી 1998 સુધી એમ 5 વખત કચ્છની માંડવી બેઠક પરથી ચૂંટાયા હતા. તો તે વખતની ચૂંટણી કયા મુદ્દા પર લડાતી હતી?
જવાબ: પ્રજાલક્ષી જ પ્રશ્નોને ઓળખીને પ્રજાને પડતી હાલાકીઓને સૌથી વધારે ઉજાગર કરવી. એ મુશ્કેલીઓનું નિવારણ લાવવું. એ પહેલી પ્રાથમિકતા હતી. ગુજરાતમાં તે વખતે કચ્છ છેવાડાનું હતું. કચ્છની લોકપરંપરા અને વારસાને ગુજરાતમાં ભેળવવાનું ખૂબ મુશ્કેલ હતું. તેની સાથે કચ્છના અનેક પ્રશ્નો પણ હતા. કચ્છમાં અન્ન, લાઈટ, પાણી જેવા પાયાના પ્રશ્નો હતા. પ્રજા ખૂબ પરેશાન હતી. આવી કચ્છવાસીઓની સમસ્યાઓને ઉપાડીને ઉજાગર કરવી. તે વખતે આંદોલન પણ થતા. તે વખતે આજના જેવા દેખાવો ન હતા. માત્ર ઔપચારિક સવારથી સાંજ સુધી ધરણા પર બેસવાનું અને અમારા દેખાવો અને ધરણાં હ્રદયના હતા. પ્રજાલક્ષી પ્રશ્નોનું નિવારણ લાવવાના કારણે પ્રજાએ મને ચૂંટ્યો હતો. કોઈ જ્ઞાતિવાદનો પાયો નહતો. કોઈ ધનીકપણુ નહતું. કોઈ બીજી પરિસ્થિતિ નહતી અને કોઈ અપપ્રચાર નહતો. અને મેરિટ્સના કારણે પ્રજા મારી સાથે રહી હતી અને છેલ્લે જ્યારે હું હાર્યો ત્યારે માત્ર 500 મતથી હાર્યો હતો.
પ્રશ્નઃ શંકરસિંહ વાઘેલાએ તે વખતે બળવો કર્યો હતો અને ખજૂરાહો કાંડ કર્યો હતો, તેના આપ સાક્ષી છો, તો તે વખતે તમે કોની સાથે હતા? અને તે વખતે કેવો માહોલ હતો?
જવાબ: હું કોઈની સાથે નહતો એટલે તો મને ટાઈટવોક રોકિંગ મળ્યું હતું. હું હતો મેરિટ્સ પર. બંને પક્ષે જ્યાંજ્યાં પોઝિટિવ વાત હતી કે, બંને પાછા પક્ષમાં હતા. કેશુભાઈનું ગૃપ અને શંકરસિંહનું ગૃપે કોઈ નવી પાર્ટી કરી ન હતી. પક્ષમાં જ બળવો હતો. એટલે આ બધાને સાચવવામાં સમય અને શક્તિનો વ્યય થયો. એ હું જાણું છું. અને એ પરિસ્થિતિમાં માહોલ ખરડાયેલો હતો. સમર્પણ ઓછુ થતું દેખાતું હતું. રાજકીય ગતિવિધી વધવા લાગી હતી. તેની પાછળ મારી દૃષ્ટિએ ઉભા કરાયેલા સંજોગો જવાબદાર હતા. તેમાં ન તો કેશુભાઈની માનસિકતા ખરાબ હતી, ન શંકરસિંહની ખરાબ હતી. સંજોગો એવા ઉભા થયા તેણે આવી પરિસ્થિતિ આણી દીધી હતી. શંકરસિંહ તો દરબાર છે, તેમણે ખજૂરાહો કર્યું તે તેમણે ખોટુ કર્યું હતું. ત્યારપછી પાર્ટીનું મોરલ ડાઉન થવાની શરૂઆત થઈ હતી. નહીં તો આવી પરિસ્થિતિ સંભવ બનત નહી.
પ્રશ્ન- તમે ગુજરાતના એક વર્ષ સુધી મુખ્યપ્રધાન રહી ચૂક્યા છો. તમારા વખતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડની સૌપ્રથમ વખત રચના થઈ અને ગુજરાતે વિકાસ કર્યો છે. તો જણાવો કે, ગુજરાત પાસે વિકાસની કેવી તક છે અને હાલ જે ગુજરાતના વિકાસ મોડલની વિશ્વસ્તરે ચર્ચા થઈ રહી છે, તે વિકાસ યોગ્ય દિશાનો છે કે કેમ?
જવાબ: ડેવલપમેન્ટ પોટેન્શિયલ (Development potential) જોવા જાવ તો અનેકવિધ એવા ક્ષેત્રો છે અને ડેવલપમેન્ટનું માપદંડ છે અર્થકારણ. વર્ષ 1990માં ઉદ્યોગ ખાતાનો હવાલો મળ્યો અને 1991માં ઉદારીકરણ સમયગાળો આવ્યો હતો. એટલે જે હરિફાઈમાં પહેલો ઉપડ્યો તે આગળ વધી જાય. તે વખતે હું ઉદ્યોગ પ્રધાન હતો. એટલે મેં તે વખતે ઉદ્યોગ નીતિ જ એવી ઘડી. તે વખતે ચીમનભાઈ પટેલની સરકાર હતી. તેમની આગેવાનીમાં ઉદ્યોગ નીતિ જ એવા પ્રકારની ઘડી કે, ગુજરાતનો વિકાસ એકદમ આગળ વધે. ઈન્સ્પેક્ટર લાઈસન્સ કવૉટારાજ જવાનું હતું. તે વખતે ઈન્ફ્રાસ્ટ્રકચર શબ્દ નવો હતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નવો હતો. જ્યાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થાય ત્યાં વિકાસ ઝડપથી આગળ વધે. આ સિદ્ધાંત સર્વવ્યાપી બન્યો હતો, પણ ખ્યાલમાં તે વખતે આવ્યો હતો. ઉદારીકરણના સમયગાળામાં આ સિદ્ધાંતને ઉપાડીને તેના પર વધુ ધ્યાન આપવું. આ એક દૃષ્ટિબિંદુથી ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડની રચના પછી વિકાસ આગળ વધ્યો હતો. વૈશ્વિક ગુજરાતની થિયરી અપનાવાઈ, 10 વર્ષના વિઝન ડોક્યુમેન્ટ્સ આપ્યા છે. દાવોસ જઈને ત્યાં ભાષણો પણ આપ્યા છે. આવા બધા પ્રયત્નોને કારણે ગુજરાતની માળખાગત સુવિધાઓ વધી. ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થયું તે ગુજરાતના વિકાસનું મોટામાંમોટું યોગદાન રહ્યું છે. અને તે અમારા સમયમાં થયું.