- ISROના વૈજ્ઞાનિક તપન મિશ્રાએ કર્યો ઘટસ્ફોટ
- મને ઝેર આપી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે : તપન મિશ્રા
- મને નહોતી ખબર કે, હું પણ એક દિવસ આવા જ રહસ્યનો ભાગ બનીશ : તપન મિશ્રા
અમદાવાદ : ISROના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર બુધવારે મોટો ઘટસ્ફોટ કરીને સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. તેમને મારવા માટે એક બે વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર ઝેર આપવામાં આવ્યું હતું. આ ઝેર તેમને એક પ્રમોશન ઈન્ટરવ્યુ દરમિયાન ઢોંસાની ચટણીની સાથે આપવામાં આવ્યું હતું. જેને કારણે તેમનું 30થી 40 ટકા જેટલું બ્લડ લોસ થયું હતું. અને બ્લિડિંગ થતું હતું. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તપન મિશ્રાએ લાગાવ્યા આરોપ
તપન મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે, 23 મે, 2017ના રોજ બેંગલુરૂમાં પ્રમોશનના ઈન્ટર્વ્યૂ દરમિયાન જીવલેણ આર્સેનિક ટ્રાઈઓક્સાઈડ ઝેર આપવામાં આવ્યું હતું. બપોરના ભોજન બાદ નાસ્તામાં ઢોંસાની ચટણી સાથે ભેળવીને ઝેર આપવામાં આવ્યું હતું. જે બાદ ગત 2 વર્ષથી તેમની તબીયત સતત નાદુરસ્ત રહે છે. ઈન્ટર્વ્યૂ બાદ તેમને મહામુસીબતે બેંગલુરૂથી અમદાવાદ પરત આવ્યા હતા. તપન મિશ્રાએ AIIMSના મેડિકલ રિપોર્ટ પણ પોસ્ટ કર્યો છે. અમદાવાદ પરત ફર્યા બાદ પણ બ્લિડિંગ થઈ રહ્યું હતું. તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હાથ-પગની આંગળીઓના નખ ઉખડવા લાગ્યા હતા. ન્યૂરોલોજિકલ સમસ્યા સર્જાઇ હતી અને શરીરના અંદર અને બહારના અંગો પર ફંગલ ઈન્ફેક્શન થઈ રહ્યું હતું.
ક્યાં અને કેવા પ્રકારની થઇ હતી સારવાર?
તપન મિશ્રાએ પોતાની સારવાર ઝાયડસ કેડિલા-અમદાવાદ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ-મુંબઈ અને AIIMS-દિલ્હીમાં કરાવી છે. આ સારવારમાં તેમને લગભગ બે વર્ષનો સમય થઈ ગયો. તપન મિશ્રાએ પોતાના દાવાના પૂરાવા તરીકે મેડિકલ રિપોર્ટ, AIIMSની રિસિપ્ટ અને પોતાના હાથ-પગના કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યાં છે.
તપન મિશ્રાએ પોતાની ફેસબૂક પોસ્ટમાં શું લખ્યું?
તપન મિશ્રાએ પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે, “ISROમાં અમને અનેક વખત મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મોતના સમાચાર મળતા રહે છે. વર્ષ 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું મોત પણ શંકાસ્પદ સ્થિતિમાં થયું હતું. જે બાદ 199માં VSSCના ડિરેક્ટર ડૉ. એસ શ્રીનિવાસનના મોત પર પણ સવાલ ઉઠ્યા હતા. આટલું જ નહીં, 1994માં શ્રી નાંબીનારાયણનો કેસ પણ સામે આવ્યો હતો. જોકે, મને નહોતી ખબર કે, હું પણ એક દિવસ આવા જ રહસ્યનો ભાગ બનીશ.”
બુધવારે તપન મિશ્રાએ ફેસબુક પર લોન્ગ કેપ્ટ સિક્રેટ નામથી એક પોસ્ટ કરીને આ ઘટસ્ફોટ કર્યો છે. જેમાં તેમને જણાવ્યું કે, જુલાઈ 2017માં ગૃહ મામલાના સુરક્ષાકર્મીઓએ તેમની સાથે મુલાકાત દરમિયાન આર્સેનિક ઝેરથી તેમને મારવામાં આવી શકે છે, તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
મેડિકલ રિપોર્ટ પણ કર્યો સોશિયલ મીડિયામાં શેર
મિશ્રાએ જણાવ્યું કે, મને મારવા માટે મારા ક્વાર્ટરમાં ઝેરીલા સાંપ છોડવામાં આવ્યા હતા. તેમને AIIMSના ડૉક્ટર પાસેથી મળેલા મેડિકલ રિપોર્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ગત બે વર્ષોથી મારા ક્વાર્ટરમાં નિયમિત રીતે કોબરા, ક્રેટ જેવા ઝેરીલા સાંપો રહસ્યમય રીતે મળતા હતા, પરંતુ સૌભાગ્યથી મારી પાસે રહેલી ચાર બિલાડીઓ અને મારા સુરક્ષા કર્મચારીઓના કારણે તે તમામ સાંપો માર્યા ગયા અથવા તો જીવતા પકડાઈ ગયા હતા. 3 મહિના પહેલા મારા ઘરમાં એક ગુપ્ત સુરંગ મળી આવી હતી. જ્યારે એ સુરંગ બંધ કરી દેવામાં આવી તો સાંપ પણ આવવાના બંધ થઈ ગયા.