ગુજરાત

gujarat

ETV Bharat / city

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટની ETV BHARAT સાથે ખાસ વાતચીત - 1990 custodial death case

વર્ષ 2002ના ગુજરાતના કોમી રમખાણો મુદ્દે તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરનાર પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટે સંજીવ ભટ્ટના જામીન મુદ્દે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટની ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત
પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટની ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત

By

Published : Aug 26, 2020, 7:18 PM IST

Updated : Aug 26, 2020, 8:11 PM IST

અમદાવાદ: ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ વર્ષ 1996ના પાલનપુર NDPS કેસ અને વર્ષ 1990ના જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં હાલ જેલમાં બંધ છે. ત્યારે આ મુદ્દે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા તેમના પત્ની શ્વેતા ભટ્ટે જણાવ્યું હતું કે, સંજીવ ભટ્ટ સામે રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. વર્ષ 2011માં સંજીવ ભટ્ટે સુપ્રિમ કોર્ટમાં જ્યારે સવારે 11 વાગ્યે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રમોદી સામે સોગંદનામું રજૂ કર્યુ ત્યારે એ જ દિવસે સાંજે 4 વાગ્યે તેમની સામે જૂના કેસની તપાસ ફરીવાર હાથ ધરવામાં આવી. પાલનપુર NDPS કેસ પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો તેમ છતાં તેને ફરીવાર રિ-ઈન્વેસ્ટીગેટ કરવામાં આવ્યો હતો. જુલાઈ 2019માં જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમને અને અન્ય પોલીસ કર્મચારીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેની અપીલ અરજી હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. છેલ્લા બે વર્ષથી તેમને સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ તરફથી જામીન કે અન્ય કોઈ રાહત મળ્યા નથી.

શ્વેતા ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં કેટલાક આરોપીઓને સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે જ્યારે પાલનપુર NDPS કેસમાં પોલીસ અધિકારી આઈ.બી. વ્યાસને જ રાતોરાત સાક્ષી બનાવી દેવાયા છે. તેમની સામે કાયદાકીય વાંધો ઉઠાવવાનો અમને અધિકાર છે. કેસના પૂરતા કાગળો પણ ઉપલબ્ધ ન કરાવવામાં આવતા હોવાનો સંજીવ ભટ્ટના પત્નીએ આક્ષેપ કર્યો હતો. તો બીજી બાજુ સરકારે શ્વેતા ભટ્ટ પર ટ્રાયલમાં વિલંબ કરવાનો આરોપ મૂક્યો છે જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિને કાયદાકીય રીતે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, સરકાર કેસ ઉતાવળે ચલાવી સંજીવ ભટ્ટને દોષિત જાહેર કરવા માંગે છે. અમને બે વર્ષથી રેગ્યુલર જામીન સુદ્ધા મળ્યા નથી.

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટની ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત
  • પ્રશ્નઃછેલ્લા બે વર્ષથી તમારા પતિ સંજીવ ભટ્ટ માટે તમે કાયદાકીય લડાઈ લડી રહ્યા છો, આ લડાઇમાં તમને અત્યાર સુધી કઈ કઇ સમસ્યાઓનો સામનો કરવો પડયો ?

    શ્વેતા ભટ્ટ - આ સમયગાળો મારા માટે ખૂબ જ કપરો રહ્યો છે. હું એક અધિકારીની પત્ની છું અને મે હંમેશા એક અધિકારીની પત્નીનો રોલ નિભાવ્યો છે. મારે દરરોજ પાલનપુર, જામનગર સહિત અલગ અલગ જગ્યાએ જવું પડતું અને ત્યાંના વકીલો સાથે મુલાકાત કરવી પડતી હતી. ઘણીવાર આખો દિવસ કોર્ટમાં નીકળી જાય છે. આ ખરેખર ખૂબ જ પડકારજનક છે.
  • પ્રશ્નઃસંજીવ ભટ્ટને જેલમાં લગભગ બે વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે પરંતુ હજી સુધી તેમને સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. શું હાલમાં તમે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી ન થાય તેના માટે હાઈકોર્ટમાં અરજી કરી ?

    શ્વેતા ભટ્ટ - હું છેલ્લા બે વર્ષથી મારા પતિના જામીન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છું અને મને જામીન મળી રહ્યા નથી. સંજીવ ખૂબ જ સિનિયર IPS અધિકારી છે, તેઓ અહીં હતા તે દરમિયાન તેમને જે પુછવું હતું તે પુછી શકાત પરંતુ અચાનક 5મી સપ્ટેમ્બર 2018ના રોજ સવારે 8 વાગ્યે 40 થી 50 લોકો આવ્યા અને કોઇ પ્રકારનો જવાબ આપ્યા વગર મારા પતિને લઇ ગયા. અમને વકીલને પણ મળવા ન દીધા ન હતા. સંજીવે પાલનપુરના લેડી મેજીસ્ટ્રેટને કહ્યું કે મને વકીલ સાથે વાતચીત કરવાનો સમય આપવામાં આવે. ત્યારે મેજીસ્ટ્રેટે તેમને 10 મિનિટનો સમય આપ્યો અને પછી સંજીવે ઉભા થઈને પોતાની વાત રજૂ કરી. તેમ છતાં મેજીસ્ટ્રેટે આ કેસમાં સંજીવના રિમાન્ડ ફગાવી દીધા હતા. તેના બીજા જ દિવસે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને સંજીવ સામે મોંઘામાં મોંઘા વકીલ લાવવામાં આવ્યા. તેમને સજા થાય તે માટે સરકાર શા માટે આટલો રસ લઈ રહી છે? આ એક આશ્ચર્યની વાત છે. સંજીવ કોઈ આતંકવાદી નથી તેમ છતાં 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા, જે મંજૂર થયા બાદ પણ તેમને કંઈ પૂછવામાં આવ્યું નહિ. ત્યારથી લઇને આજ દિવસ સુધી હું જામીન માટે સંઘર્ષ કરી રહી છું.

  • પ્રશ્નઃવર્ષ 2011માં સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે સોગંદનામું રજૂ કર્યુ હતું શું એ વસ્તુ તમને અત્યારે નડી રહી છે?

    શ્વેતા ભટ્ટ- મને શું, આખા દેશને લાગે છે કે આ એક રાજનૈતિક કુળવેર છે. સવારે તેમણે સોગંદનામું રજૂ કર્યું અને સાંજે 4 વાગ્યે તેમની સામે જૂના કેસ રિ-ઓપન થયા. પાલનપુર NDPS કેસમાં સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં તેને રિ-ઈન્વેસ્ટીગેટ કરવામાં આવ્યો. એક ગુના માટે એક જ વ્યક્તિ પર બે વાર ટ્રાયલ ચલાવવામાં આવી છે.

  • પ્રશ્નઃશું તમને લાગે છે કે સંજીવ ભટ્ટને પોલિટિકલ પાવરને લીધે સંઘર્ષ કરવો પડી રહ્યો છે?

    શ્વેતા ભટ્ટ - સંજીવ 23 વર્ષના હતા ત્યારે IPS અધિકારી બન્યા હતા. જામનગરમાં તેમનું પહેલું પોસ્ટીંગ હતું. પ્રામાણિકતા અને ઈમાનદારીનો ગુણ એક અધિકારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ આજે આ જ વસ્તુ અમને નડી રહી છે. તેઓ સાચું બોલ્યા હતા જેના પરિણામે અમારો આખો પરિવાર સંઘર્ષ કરી રહ્યો છે.

  • પ્રશ્નઃસંજીવ ભટ્ટના બે વર્ષના જેલવાસ દરમિયાન શું તમને કોઈ ધાક-ધમકીનો સામનો કરવો પડયો છે?

    શ્વેતા ભટ્ટ- મારા પતિને મારી નજર સામે જ લઈ ગયા હતા, એનાથી મોટી ધમકી શું હોઈ શકે? હું ગાડી ચલાવી રહી હતી અને ટ્રક મારી ગાડી સાથે અથડાતા મારો એક્સિડન્ટ થયો. ભગવાનની કૃપાથી માંડ માંડ અમે બચ્યા છીએ. રાત્રે અમારા ઘરની બહાર લોકો સ્કૂટર પર ફરે છે. કેટલીક ગાડીઓ મને ફોલો કરે છે. આ અંગે તપાસ થવી જોઈએ. સંજીવે સત્ય જ કહ્યું છે, આ કોઈ કલ્પના નથી પરંતુ વાસ્તવિકતા છે. વર્ષ 2002માં હિંસા અને રમખાણ તો થયા જ છે. કોઇ અધિકારીએ સાચી વાત કરી તો તેના માટે આટલી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. શું તમે બીજા પોલીસ અધિકારીને આ સંદેશો આપવા માંગો છો? મારે ક્યારેય કોઈ ઈન્ટવ્યૂમાં કહેવું પડ્યું નથી કે સંજીવ ઈમાનદાર છે, બધા સત્ય જાણે છે. જો કે લોકો અંદરોઅંદર વાત કરે છે, ડરને લીધે કોઈ ખુલીને વાતચીત કરતા નથી.

  • પ્રશ્નઃસંજીવ ભટ્ટ IPS અધિકારી હતા તો શું આ અંગે તેમને અન્ય કોઇ અધિકારીઓનો સપોર્ટ મળ્યો હતો?

    શ્વેતા ભટ્ટ - હા. ઘણા મિત્રો અત્યારે પણ ફોન કરે છે પરંતુ ડરને લીધે કંઈ કરી શકતા નથી. પોલીસ અધિકારી, ફિલ્મ નિર્માતા બધી જગ્યાએ આ પ્રકારનો તણાવ છે. જો આપણે સવાલ નહિ કરીએ તો હિપોક્રસી તરફ આગળ વધી રહ્યા છીએ તેમ ગણાશે.


  • પ્રશ્નઃકોરોના મહામારીને લઇને આ લડતમાં શું સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે?

    શ્વેતા ભટ્ટ - મને મારા બે બાળકોનો સહારો છે, બાકી મે એકલા આ બધી સમસ્યાનો સામનો કર્યો છે. અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. કોઈ અધિકારી સમાજ માટે જ્યારે કંઈ સારૂ કરે ત્યારે સમાજે પણ તેનો સાથ આપવાની જરૂર છે. જો આમ જ ચાલતું રહ્યુ તો કાલે બીજા કોઈ અધિકારી આવું નહિ કરે અને પોતાનું જ જોશે. મારા પતિ હંમેશા કહેતા કે જ્યારે હિંસા થાય ત્યારે ધર્મ, જાતિ કે રંગ ભૂલીને તેને અટકાવવું એ પહેલી પ્રાથમિકતા છે. આ એક પોલીસ કર્મચારીની ફરજ છે અને આ રીતે જ સંજીવે નોકરી કરી છે.

  • પ્રશ્નઃહાઈકોર્ટમાં સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે સંજીવ ભટ્ટ દ્વારા જામીન અરજી દાખલ કરી ટ્રાયલમાં વિલંબ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોર્ટે સંજીવ ભટ્ટને ફિઝિકલ સુનાવણી શરૂ ન થાય ત્યાં સુધી બાંહેધરી માંગી છે.

    શ્વેતા ભટ્ટ - કોઈ અધિકારીને જ્યારે તમે આરોપી બનાવશો ત્યારે એ પોતાના બચાવના અધિકારનો ઉપયોગ તો કરશે ને? ઘણીવાર સુનાવણીમાં સરકાર દ્વારા પણ વિલંબ કરવામાં આવ્યો છે. અત્યારે કોરોનાને લીધે ઘણો વિલંબ થઈ રહ્યો છે. સરકારને સંજીવને આરોપી બનાવી સજા કરવાની આટલી ઉતાવળ કેમ છે? અમને તો પેપર સુદ્ધા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. 500 પાનાની અમારી પિટીશન છે તેમાં ઘણી બધી બાબતોમાં કોર્ટનું ધ્યાન દોરવું પડે છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં નેટવર્કને લગતી ઘણી તકલીફો ઉભી થાય છે આથી હું કોઇ રિસ્ક લેવા માંગતી નથી. દરેક સુનાવણીમાં હું હાજર રહું છું. સુનાવણીમાં શું થાય છે તેનું પુરુ જ્ઞાન અમને હોવું જોઈએ. પાલનપુર NDPS કેસમાં તમામ આરોપીઓને સાક્ષી બનાવી દીધા તો શું અમે સામે વાંધા અરજી ન કરીએ? આ લોકો અડધી વાત બતાવી ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • પ્રશ્નઃઆગળની કાયદાકીય લડાઈ કઈ રીતની રહેશે?

    શ્વેતા ભટ્ટ - જ્યાં સુધી મારા પતિ ઘરે પરત નહિ આવે, ત્યાં સુધી હું લડતી રહીશ. સંજીવ નિર્દોષ છે, તેમને ફસાવવામાં આવ્યા છે. હવે અમે આગળ સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરીશું.

રિપોર્ટર આકિબ છીપા, અમદાવાદ (કેમેરા પર્સન - મુકેશ ડોડિયા)

Last Updated : Aug 26, 2020, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details