- નરેશ પટેલના આગામી મુખ્યપ્રધાનને લઈને કરાયેલા નિવેદન બાદ સર્જાયો વિવાદ
- જ્ઞાતિવાદ રૂપી ઉધઈ રાજકારણની ઈમારતને ખાઈ રહી છે - રાજકીય વિશ્લષક
- જ્ઞાતિવાદને માળિયે મૂકીને મુદ્દાઓ પર રાજકારણ થાય તેમાં જ સૌનું ભલું
અમદાવાદ : 2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માં ભાજપ-કોંગ્રેસ તેમજ હાલમાં જ ગુજરાતમાં સક્રિય થયેલી આમ આદમી પાર્ટીએ તૈયારીઓને શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા દરેક પક્ષ પોતાની તૈયારીઓને મજબૂતી આપતો હોય છે. તેવામાં ધાર્મિક સંસ્થા ખોડલધામ ખાતેથી નરેશ પટેલ દ્વારા 'આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવા જોઈએ' તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ વિવિધ જ્ઞાતિના વગદાર લોકોએ પણ પોતાની જ્ઞાતિના મુખ્યપ્રધાન હોવા અંગે નિવેદનો આપ્યા હતા. જે પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે, ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનો પગપેસારો થઈ ચૂક્યો છે.
જાણો શું હતું નરેશ પટેલનું નિવેદન…
13 જૂનના રોજ રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં ગુજરાતભરના કડવા-લેઉઆ પાટીદાર સમાજના નામાંકિત સંસ્થાઓના આગેવાનોની એક મિટિંગનું આયોજન થયું હતું. આ મિટીંગ બાદ પત્રકાર પરિષદ સંબોધતી વખતે પાટીદાર આગેવાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, "દરેક સમાજ ઈચ્છે છે કે તેમનો મુખ્યપ્રધાન બને, તો સ્વાભાવિક છે કે પાટીદારો પણ ઈચ્છે છે કે તેમના સમાજના મુખ્યપ્રધાન હોય."
નરેશ પટેલના નિવેદન પર ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા
ગત 16 જૂનના રોજ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની મુલાકાત લીધી હતી. જ્યા તેમણે નિવેદન આપ્યું હતું કે, "રાજ્યમાં જ્ઞાતિવાદનું રાજકારણ નથી ગરમાયું. ખોડલના ધામમાંથી તેમણે (નરેશ પટેલ) પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે આમારા સમાજમાંથી મુખ્યપ્રધાન હોવો જોઈએ. તો સામે અમારી પણ એવી લાગણી છે કે બક્ષીપંચ, દલિત, આદિવાસી જેવા નાના સમાજમાંથી કોઈ ગુજરાતના મુખ્યપ્રધાન બને. પણ આ મુખ્યપ્રધાન પ્રજાલક્ષી હોવા જોઈએ. લોકોના પ્રશ્નોને વાચા આપનાર હોવા જોઈએ. મુખ્યપ્રધાન કોણ બનશે, એ તો છેલ્લે પ્રજા અને પાર્ટી જ નક્કી કરશે."
ક્ષત્રિય સમાજે પણ કરી પોતાના સમાજના મુખ્યપ્રધાન બનાવવાની માગ
ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવેદન બાદ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને મુખ્યપ્રધાન બનાવવામાં આવે. આ સાથે તેમણે કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજનો દેશની અખંડતા તેમજ વિકાસમાં સિંહ ફાળો રહ્યો છે. હાલમાં રાજકારણમાં પણ અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો છે. જેમને આગામી દિવસોમાં ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવા જોઈએ.
રાજકારણમાં જ્ઞાતિવાદની લાગી છે ઉધઈ - રાજકીય વિશ્લેષક