પ્રદુષણને ડામવા માટે અમદાવાદના ફટાકડા બજારમાં ગ્રીન ફટાકડા આવ્યા છે તેના પર "Now Go Green" લખેલું છે અને સામાન્ય ફટાકડા કરતા સહેજ મોંઘા છે. માર્કેટમાં પહેલીવાર લોન્ચ થયેલા આ પ્રકારના ફટાકડાનું વેચાણ હાલ ઓછું છે. પરંતુ, આવનારા દિવસોમાં તેની જાગૃતતા વધશે તો આવા ગ્રીન ફટાકડાનું વેચાણ વધશે તેવી દુકાનદારો દ્વારા આશા વ્યકત કરવામાં આવી રહી છે. દીવાળીના દિવસ પહેલાં ફટાકડા બજારમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે. વિધાર્થીઓની પરીક્ષા હવે પુરી થઈ છે. ત્યારે, આગામી દિવસોમાં બજારનો માહોલ સુધરશે અને વેચાણ વધશે તેવી આશા વ્યકત કરાઈ રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂટિન ફટાકડાની સાથે સાથે નવા ફટાકડા માર્કેટમાં જોવા મળ્યા છે, જેમાં શોર્ટ-ગન, મીની-પીકોક, બીગ-પીકોક, બુલેટ, જમ્પર, સહિતના ફટાકડા આવ્યા છે. અમદાવાદના રાયપુરમાં આવેલી અંબિકા ટ્રેડિંગના માલિક ભાવિક ખજાનચીએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બધા માર્કેટની અસર ફટાકડા બજાર પર જોવા મળી રહી છે, જો કે શનિવાર રવિવારના દિવસોમાં વેચાણ વધ્યું હોવાથી આગામી દિવસોમાં ફટાકડામાં નવી ઘરાકી નીકળવાની આશા છે. આ વર્ષે ફટાકડાના સપ્લાયમાં નજીવો ઘટાડો છે. તેની સાથે ગત વર્ષની સરખામણીએ આ વખતે કેટલાક ફટાકડાઓમાં 25 થી 30 ટકા સુધીનો ભાવ વધારો છે.
પાછલા કેટલાક વર્ષોમાં લોકો ફટાકડાથી થતાં પ્રદુષણ અને સરકાર દ્વારા કરવામાં આવતી સલાહને અનુસરીને ગ્રીન ફટાકડા તરફ વળ્યા છે, ત્યારે આ વર્ષના ગ્રીન ફટાકડાના વેંચાણ પ્રયોગ પરથી આગામી વર્ષોમાં તેનું વેંચાણ વધશે કે કેમ એ અંગે જાણી શકાશે.