- ફૂલોના ભાવમાં 50થી 60 ટકાનો ઘટાડો
- મંદિરો બંધ, અને લગ્ન પણ ટુકમાં થવાથી ફૂલનો વપરાશ બંધ
- અંતિમ વિધિ અને રોજીંદા ગ્રાહકો જ કરી રહ્યા છે ખરીદી
અમદાવાદઃ રાજયમાં કોરોનાની મહામારીમાં મોટા ભાગના તમામ ઉદ્યોગોના બંધની મોટી અસર થઇ છે. તેવામાં ફૂલોના વેપારીઓ અને ખેડૂતો પર પણ મોટી અસર થઇ છે. કારણ કે કોરોનાની મહામારીમાં મીની લોકડાઉનમાં તમામ વસ્તુઓ બંધ છે. ઉત્સવો અને પ્રસંગો પણ બંધ છે. જેમની સાથે વાવાઝોડામાં પણ ફૂલોના બગીચાને મોટા પ્રમાણમાં નુક્સાન થતા માઠી અસર પડી છે.
આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાની અસર, આણંદમાં ફળોના ભાવ આસમાને
ફૂલોના વેચાણમાં હાલ અડધો અને તેનાથી વધારો ઘટાડો નોંધાયો છે
અમદાવાદ ફૂલ માર્કેટ એસોસિએશનના પ્રમુખ રિઝવાન અરબે કહ્યું હતું કે, "ફૂલોના વેચાણમાં હાલ અડધો અને તેનાથી વધારો ઘટાડો નોંધાયો છે. કારણ કે, રોજ મંદિરોમાં વધારે પ્રમાણમાં ફૂલ વાપરવામાં આવે છે. પરંતુ મંદિરો કોરોનાને લઇને બંધ હોવાથી માત્ર ગણતરીના ફૂલો જ પૂજામાં વપરાઇ રહ્યા છે.
લગ્નની સિઝન ચાલી રહી છે, પરંતુ લગ્નમાં પણ ગણતરીના જ લોકો હાજર રહે છે
વધુમાં રિઝવાન અરબે કહ્યું હતું કે, લગ્નની સિઝન ચાલી રહી છે. પરંતુ લગ્નમાં પણ ગણતરીના જ લોકો હાજર રહે છે. તેથી માત્ર 20થી 30 ટકા ફૂલો જ વપરાઇ રહ્યા છે. પહેલા સમગ્ર હોલ ફૂલોથી શણગારવામાં આવતા હતા. પરંતુ આજે તમામ પ્રકારની સજાવટ બંધ થઇ ગઇ છે. તેની મોટી અસર વેચાણ પર દેખાઇ છે."
ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં પણ હાલાકી હોવાથી ફુલોનો પણ બગાડ વધી રહ્યો છે
"લગ્નનની અને ઉત્સવોની સિઝનમાં કોલકાતા, બિહાર, રાજસ્થાનથી ફૂલોના કારીગરો સિઝનમાં કામ કરવા માટે ગુજરાત આવતા હતા. પરંતુ આ સિઝનમાં કોરોનાને લઇને તમામ વસ્તુઓ બંધ હોવાથી એક પણ કારીગર અન્ય રાજયમાંથી આવ્યા નથી. અન્ય રાજયમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ છે. જેને લઇને અન્ય રાજયમાંથી આવતા ફૂલોમાં પણ ઘટાડો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં પણ હાલાકી હોવાથી ફુલોનો પણ બગાડ વધી રહ્યો છે."તેમ રિઝવાન અરબે કહ્યું હતું.