ગેહલોતે આપેલા નિવેદન મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે, અશોક ગેહલોતે ગુજરાતની જનતા અને ગાંધીજીનું અપમાન કર્યું છે. ગુજરાતની જનતાને દારૂડિયા કીધું તે ખોટું છે અને કોંગ્રેસે પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ધ્યાન આપવું જોઈએ. ગેહલોતે ગુજરાત પર ધ્યાન આપવા કરતા સચિન પાયલોટ પર ધ્યાન આપવું જોઈએ. કોંગ્રેસ ગુજરાતની વિરોધી રહી છે અને ભાજપને પ્રજાના આશીર્વાદ છે. કોંગ્રેસે સરદાર અને ગાંધીનું અપમાન કર્યું છે આવા અનેક પ્રકારના પ્રહાર ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા.
તો આ જ મામલે ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અશોક ગેહલોતના નિવેદનથી ગુજરાતની જનતાને આઘાત લાગ્યો છે. યુવાઓ, મહિલા અને વડીલોનું કોંગ્રેસે અપમાન કર્યું છે તેમજ કોંગ્રેસ હંમેશાથી ગુજરાતની પ્રગતિ, ગૌરવ અને નેતૃત્વની ઈર્ષા કરતી હોય છે. કોંગ્રેસ પહેલાથી જ જનતાના વિશ્વાસને જીતી શકી નથી માટે જ જનતાનું અપમાન કરે છે. અશોક ગેહલોતે આપેલા નિવેદન માટે તેમને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ.