- છેલ્લા 5 મહિનામાં અંદાજિત 24,800 નું ડ્રગ્સ ઝડપાયું
- 21 સપ્ટેમ્બરે આશરે 150 કરોડનું ડ્રગ્સ પોરબંદરમાં ઝડપાયું હતું
- અદાણી પોર્ટ પરથી આશરે 21000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું
ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં છેલ્લા 5 મહિનામાં અલગ- અલગ જગ્યાએથી આશરે કુલ રૂપિયા 24,800નું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં સૌથી વધુ ડ્રગ્સ આશરે 21000 કરોડનું કચ્છના મુન્દ્રામાંથી ઝડપાયું હતું અને પોરબંદરમાં પણ 150 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. તો વિવિધ જગ્યાએથી બાકીનું ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં આજે દ્વારકામાં પકડાયેલું રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ પણ સામેલ છે.
દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આજે તા. 10-11-2021ના રોજ ખંભાળિયા હાઈવે પરથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ખંભાળિયા આરાધના ધામ પાસે કારમાંથી અંદાજિત 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત 350 કરોડથી વધુની જણાવાઈ રહી છે. આ ડ્રગ્સ સમુદ્ર રસ્તે આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેમાં દ્વારકા SOG અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ મુદ્રા પોર્ટ પર પણ ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.
- ગુજરાતમાં તાજેતરમાં પકડાયેલા ડ્રગ્સના જથ્થાની વાત કરીએ તો...
કચ્છમાંથી મળ્યું અંદાજિત 3,600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ
કચ્છના મુન્દ્રા પોર્ટમાં પણ ટેલ્કમ પાવડરની આડમાં 1,200 કિલો હેરોઈનનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. જેની બજાર કિંમત 3,600 કરોડ રૂપિયાની અંદાજવામાં આવી હતી. DRIની ટીમે મુન્દ્રામાં આ હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો, જે અત્યાર સુધીનો મળી આવેલો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો હતો. મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. મુન્દ્રા બંદરે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને પકડાયેલો હેરોઈનનો જથ્થો 1200 કિલો જેટલો હતો, જેની બજાર કિંમત અંદાજીત 3,600 કરોડ રૂપિયાની હતી. હજુ પણ તપાસ ચાલુ છે અને તેની કિંમત અંતિમ કુલ જથ્થા સાથે તેમજ ગુણવતા પ્રમાણે નક્કી કરવામાં આવશે.
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે 250 ગ્રામ ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા હતા
ગુજરાત રાજ્ય સહિત અમદાવાદમાં પણ ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે તેમ છતાં ડ્રગ્સ માફિયાઓ બેફામ ફરી રહ્યા છે. 24 ઓક્ટોબરે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે 250 ગ્રામ ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા હતા, જે MD ડ્રગ્સની કિંમત 25 લાખ રૂપિયા છે. ઝડપાયેલા બન્ને આરોપીઓ રાજસ્થાનથી સરકારી ST બસમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા પરંતુ પોલીસે જાણકારીના આધારે બન્નેને MD ડ્રગ્સ(MD Drugs)સાથે ઝડપી પાડ્યા હતા.
ડીસામાંથી પણ દરોડા દરમિયાન 7,96,700 રૂપિયાના મુદ્દામાલ સાથે ડ્રગ્સ ઝડપાયું હતું
27 સપ્ટેમબરે ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી અંદાજિત આઠેક લાખ રૂપિયાની કિંમતના ડ્રગના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી. પોલીસે આ સફળ ઓપરેશનમાં શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો. તેના ઘરમાથી જ 338.60 ગ્રામ ગાંજો, 59.760 ગ્રામ સ્મેક અને 18.25 ગ્રામ મેફેડ્રોન (md)નો જથ્થો તથા 3 મોબાઈલ રોકડ 6,350 સહિત તમામ જથ્થોની કિંમત 7,96,700 રૂપિયા હતી. પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોનની અટકાયત કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું
25 સપ્ટેમ્બરે સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે કડોદરા નિયોલ ચેકપોસ્ટ પરથી ગાડીમાં મેફેડ્રોન ડ્રગ્સ લાવતા ત્રણ આરોપીની પણ ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 196.2 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. આરોપીઓ આ ડ્રગ્સ મુંબઈથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું.