- સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ડેપ્યુટેશન દરમિયાન કોરોના સંક્રમિત થયા
- કોરોના પોઝિટિવ આવતા તેમને એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
- છેલ્લા પંદર દિવસથી સારવાર લઈ રહેલ ડોક્ટરનું અંતે નિધન
અમદાવાદ (ધંધુકા): ડૉ. વોલેન્સ નાનજીભાઈ અસારી એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નોકરી કરી હતી. ત્યારબાદ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં આવેલા કાવિઠા પી.એચ.સી ખાતે જોડાયા બાદ બગોદરા, ધોલેરા બાદ રેફરલ હોસ્પિટલ ખાતે 14/ 2/2012થી ફરજ બજાવતા હતા. આ સમય દરમિયાન તેમણે અધિક્ષક તરીકે પણ પાંચ વર્ષ ફરજ બજાવી હતી. તેમજ મડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા
છેલ્લા ત્રણ માસથી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ડેપ્યુટેશન
સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેમને છેલ્લા ત્રણ માસથી ડેપ્યુટેશનમાં મુકવામાં આવ્યા હતા. ત્યાં તેમણે કોરોના અંગે રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા એપોલો હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા પંદર દિવસથી જ સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર કારગત ના નીવડી, છેલ્લે તો તેમનો પોઝિટિવમાંથી નેગેટિવ રિપોર્ટ પણ આવ્યો હતો. ગત્ત રાત્રીએ (રવિવાર) તેમનું નિધન થયું હતું. તેમના મૃતદેહને સ્વજનોને આપી અરવલ્લી જિલ્લા ભિલોડા તાલુકાના લુસડીયા ગામે દફનવિધિ કરવામાં આવી હતી.