અમદાવાદઃ તમારી પાસે બધું જ હોય અને જો તમે કોઈને મદદ કરો એ વાત સારી છે, પરંતુ તમારી પાસે થોડું ઘણું પણ હોય અને એ તમે કોઇને આપો તે ઉદાહરણીય છે. કોરોના વાઇરસની મહામારી દરમિયાન જ્યારે લોકડાઉન હતું, ત્યારે કેટલાય ગરીબોને સેવાભાવી લોકોએ ભોજન પૂરું પાડ્યુ હતું. જેમાં કેટલાય એવા દિવ્યાંગ લોકો પણ હતા, જેમના ઘર સુધી સેવાભાવી લોકો પહોંચી શક્યા નથી. ત્યારે આ દિવ્યાંગોને રાશન અને ભોજન પૂરું પાડવાની ઝુંબેશ અમદાવાદમાં રહેતા દિવ્યાંગ ધરમશીભાઈ રબારીએ કરી હતી. ધરમશીભાઈએ લોકડાઉન દરમિયાન 700 જેટલી રાશન કિટો દિવ્યાંગોના ઘર સુધી પહોંચાડી હતી.
ધરમશીભાઈ લોકોની મદદ કરવામાં તેમનો ધર્મ કે જાતિ જોતા નથી ધરમશીભાઈની ઉંમર 61 વર્ષની છે. 2003માં સુરતથી પરત ફરતી વખતે એક અકસ્માતમાં તેમને પોતાના બંને પગ ગુમાવવા પડયા હતા. આ પહેલાં ધરમશીભાઈ મિલમાં નોકરી કરતા હતા, પરંતુ તેમની નોકરી છૂટી જતા, તેમને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ અકસ્માત બાદ તેમને પગ ગુમાવ્યા હોવા છતાં હિંમત હાર્યા ન હતા. તેમને વિચાર કર્યો કે, પોતાના જેવા કેટલાય દિવ્યાંગો હશે, જેમની મદદ તેમને કરવી જોઈએ. જે બાદ ધરમશીભાઈ કુત્રિમ પગ સાથે જિંદગી જીવવાનું શીખી ગયા. આજે તેઓ ઓટો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.
દિવ્યાંગ લોકો કુત્રિમ હાથ પગ બનાવવા માટે તેમની પાસે આવતા હોય છે ધરમશીભાઈ દિવ્યાંગ વ્યક્તિઓ પાસેથી ભાડું લેતા નથી. સંપૂર્ણ કોરોના કાળ દરમિયાન તેમને અંધજન મંડળ, રેડ ક્રોસ સોસાયટી, ભારત વિકાસ પરિષદ અને પોલીયો ફાઉન્ડેશન જેવી સંસ્થાઓએ તેમને અને દિવ્યાંગોને મદદ કરી છે. સંપૂર્ણ ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દિવ્યાંગ લોકો કુત્રિમ હાથ પગ બનાવવા માટે તેમની પાસે આવતા હોય છે. આ દિવ્યાંગો અકસ્માતના કારણે કે પછી ડાયાબિટીસ જેવી બીમારીઓને કારણે પોતાના શરીરનું અંગ ગુમાવતા હોય છે.
અંધજન મંડળની મદદથી 150 કીટનું વિતરણ કર્યું ધરમશીભાઈ 4500થી 5000 રૂપિયાના કુત્રિમ અંગ ફક્ત 400 રૂપિયામાં જ બનાવી આપે છે. તો એકદમ ગરીબ વ્યક્તિને તેઓ મફતમાં આ કૃત્રિમ અંગો પ્રોવાઇડ કરી આપે છે. આવા કુત્રિમ હાથ-પગ બનાવવા આવતા લોકોને તેઓ પોતાના જ ઘરે રાખે છે અને જ્યાં સુધી તેઓના કુત્રિમ અંગ તૈયાર ન થઈ જાય, ત્યાં સુધી તેમના રહેવા જમવાની વ્યવસ્થા પણ કરાવી આપે છે. તેમના આ કાર્યથી પ્રભાવિત થઈને તે સમયના ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યપાલ કમલા બેનીવાલ તેમને એવોર્ડ પણ આપી ચૂક્યા છે.
કોરોના કાળમાં દિવ્યાંગ ધરમશીભાઈએ અન્ય દિવ્યાંગોને 700 રાશન કિટો વિતરિત કરી કોરોના વાઇરસની મહામારી દરમિયાન ધરમશીભાઈએ અમરાઈવાડી, સીટીએમ, વાડજ, ચિલોડા, બાપુનગર, મુઠીયા ગામ જેવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કીટનું વિતરણ કર્યું છે. તો કડી, કલોલ અને મહેસાણા સુધી પણ તેમને જાતે રીક્ષા ચાલવીને દિવ્યાંગોની મદદે પહોંચ્યા હતા.
ધરમશીભાઈ લોકોની મદદ કરવામાં તેમનો ધર્મ કે જાતિ જોતા નથી. તે દરેક ધર્મના લોકોને કૃત્રિમ અંગ બનાવી આપે છે. તો સર્વધર્મ લગ્નોત્સવનું આયોજન પણ તેમને કર્યું છે. તેઓ આ ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાખઘોડી અને વ્હિલચેર મળી તેવી પણ વ્યવસ્થા કરતા હોય છે. લોકડાઉન દરમિયાન તેમને ONGCની મદદથી 40 કીટ, પોતાની આવકમાંથી 22 કીટ, પરિવારજનોની મદદથી 88 કીટનું અને અંધજન મંડળની મદદથી 150 કીટનું વિતરણ કર્યું હતું. કોરોનાના સમયમાં તેમના ઘરના સભ્યોએ તેમને સેવા કરતા રોક્યા હતા, પરંતુ તેમ છતાં તેઓ રોકાયા ન હતા.
ઉલ્લેખનીય છે કે, ધરમશીભાઈ સરકારથી નારાજ છે કારણ કે, તેમને રિક્ષાનું લાયસન્સ સરકાર આપતી નથી. તો અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં દિવ્યાંગ ભાઈ બહેનો માટે પેન્શન પણ ઓછું મળે છે. જ્યારે સરકારી બાબુઓ સમક્ષ દિવ્યાંગો કોઈપણ જાતની રજૂઆત કરવા જાય ત્યારે તેમને હડધૂત કરવામાં આવે છે.