એકતરફ ઉનાળાની સિઝને જોર જમાવ્યું છે, ત્યારે હાલ મનુષ્યથી માંડી તમામ સજીવોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે ખૂબ જ જરૂરી છે. તેવા કિસ્સામાં માણસો તો પોતાની વ્યવસ્થા કરી લેતા હોય છે, પરંતુ પક્ષીઓને તરસ્યા રહેવાની ફરજ પડતી હોય છે અને પાણીના અભાવે મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુ થતા હોય છે.
અબોલ પક્ષીઓ માટે અમદાવાદના આ રેસ્ટોરન્ટ માલીક કરી રહ્યા છે કુંડાનું વિતરણ
ત્યારે મનુષ્ય તરીકે આપણે શું કરી શકીએ તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના એક રેસ્ટોરન્ટ માલિકે પૂરું પાડ્યું છે.
અમદાવાદમાં એસ. જી. હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટના માલિક કનુભાઈ રાહદારીઓ અને પોતાને ત્યાં જમવા આવતા લોકોમાં કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરી રહ્યાં છે. આ સાથે જ તેઓ લોકોને કુંડા પોતાના ઘર અને દુકાનોની ઉપર લગાવી રોજેરોજ પાણી ભરવા માટે આગ્રહ કરી રહ્યાં છે. આ પાછળ તેમનો હેતુ ફક્ત અને ફક્ત અબોલ પંખીડાઓને ઉનાળાના કારણે કોઈ સમસ્યા ન થાય અને વધુમાં વધુ પંખીઓને પાણી મળી રહે તે જ છે.
તેઓએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે છેલ્લા અઠવાડિયાથી આ પહેલ શરૂ કરી છે, આ દરમિયાન તેમણે 200થી વધારે કુંડાઓનું વિતરણ કર્યું છે. કનુભાઈની આ પહેલ હજારો પક્ષીઓના જીવન માટે મહત્ત્વની બની રહેશે, ત્યારે સમાજમાં અનેક કનુભાઈની જરૂર વર્તાઈ રહી છે.