અમદાવાદઃ કોરોના વાઈરસ દરમિયાન લોકડાઉનમાં સરકારી કચેરીઓ સામાન્ય નાગરિકો માટે બંધ રહેવાથી આ કચેરીઓમાં નાગરિકોની જુદી-જુદી અરજીઓ અને ફરિયાદોનો ભરાવો થયો હતો, ત્યારે તે અરજીઓ હવે ખૂબ જ ઝડપથી ઉકેલાઈ રહી છે.
અમદાવાદમાં તાજેતરમાં નવા જિલ્લા કલેક્ટર તરીકે સંદીપ સાંગલેની નિમણુંક થઈ છે, ત્યારે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જનસેવા કેન્દ્રમાં સામાન્ય રીતે આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જેવા અન્ય જરૂરી દસ્તાવેજો મેળવવા તેમજ ચૂંટણી લક્ષી કાર્યો માટે નાગરિકો આવતા હોય છે. કોરોના વાઈરસને લઈને સંપૂર્ણ તકેદારી રાખીને તેમની અરજીઓના ઉકેલ માટે સાત દિવસનો સમય આપવામાં આવે છે. પરંતુ વધુમાં વધુ ત્રણથી ચાર દિવસ બાદ તેમની અરજીનો ઉકેલ આવી જાય છે.
જો કે, હવે કલેકટર કચેરી દ્વારા આ અરજીઓનો નિકાલ બીજા દિવસે જ થઈ જાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. આ માટે કલેકટરે પોતાના તાબાના અધિકારીઓને સૂચના પણ આપી દીધી છે. કલેકટર દ્વારા રૂબરૂમાં પણ આ તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત મેટ્રો અને બુલેટ ટ્રેનમાં પણ જમીન સંપાદનને લીધે કામ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, ત્યારે જમીન સંપાદન સંબંધિત અરજદારોને પણ સાંભળીને વહેલી તકે તેનો ઉકેલ લાવવામાં આવશે. ચૂંટણીઓને લઇને પણ કાર્ય શરૂ થઈ ચુક્યું છે. જિલ્લામાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે ઉદ્યોગોને લગતી અરજીઓ ઉપર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.
જનસેવા કેન્દ્ર પર નાગરિકોની અરજીનો નિકાલ ઝડપી બનશે આ ઉપરાંત જમીન સંપાદન અંગે વિધાનસભાના ચોમાસુ સત્રમાં નવો કાયદો બન્યો છે. તેનું નોટિફિકેશન જાહેર થતાં જ તે કાયદા મુજબ જમીન સંપાદન અયોગ્ય રીતે ન થાય તેનું કડક નિયંત્રણ કલેકટર કચેરી દ્વારા સ્થાપવામાં આવશે.