- ધંધુકા ધોલેરા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના હોદ્દેદારો દ્વારા મૃતકના પરિવાર સાથે કરાતો અન્યાય
- મંડળીના પેટા કાયદાના ઉદ્દેશોની કલમ-7 મુજબ મૃત્યુ સહાય મળવાપાત્ર
- શિક્ષક અને ચાલુ સભાસદને અગાઉ મૃત્યું પામેલાના પરિવારોને સહાય ચૂકવવામાં આવી
અમદાવાદઃસ્વ. કેતનભાઇ ધોલેરા તાલુકાની ગોગલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમને ધંધુકા ધોલેરા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીમાંથી ધિરાણ મેળવ્યું હતું. તેમનું આકસ્મિક મૃત્યુ થતાં તેમના ધર્મપત્ની અને બીમાર પિતા મંડળીનું બાકી ધિરાણ ભરપાઈ કરી રહ્યાં છે, છતાં મંડળીના હોદ્દેદારો દ્વારા મૃતક શિક્ષકના પરિવારને મૃત્યુ સહાયથી વંચિત રાખવામાં આવી રહ્યું છે. આ અંગે પરિવારજનોએ મંડળીના હોદ્દેદારોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પરિણામ કાંઈ આવ્યું નથી.
સભાસદ ડો.રઘુવીરસિંહે પણ મૃત્યુ સહાય આપવા લેખિતમાં રજૂઆત કરી
ઉપરોક્ત મંડળીની 13 સપ્ટેમ્બર 2020ના રોજ મળેલી સાધારણ સભામાં મૃત્યુ પામેલા સ્વ.કેતનભાઈની શાળાના તેમજ ધોલેરા તાલુકાના શુભચિંતક શિક્ષકોએ મંડળીના પેટા કાયદાના ઉદ્દેશોની કલમ-7 હેઠળ મૃત્યું સહાય બાબતે મંડળીની વખતો વખતની વાર્ષિક સાધારણ સભામાં ઠરાવ્યા મુજબ અન્યને મૃત્યુ સહાય ચુકવામાં આવી છે. ત્યારે આ શિક્ષક પરિવારને પણ મૃત્યુ સહાય મળવાપાત્ર છે, તે અંગે રજૂઆત કરેલી હોવા છતાં આજસુધી આ પરિવારને શા માટે મૃત્યુ સહાયથી વંચિત રાખવામાં આવ્યો છે? મંડળીના સભાસદ એવા ડો.રઘુવીર સિંહ ચુડાસમાએ પણ મંડળીના હોદ્દેદારોને મૃતક શિક્ષક પરિવારને મૃત્યુ સહાય આપવા લેખિત રજૂઆત કરી હતી.
સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર લડત આપવામાં આવશેઃ રાકેશકુમાર
મૃતક શિક્ષક પરિવારને ધંધુકા ધોલેરા શિક્ષક શરાફી મંડળી દ્વારા થઈ રહેલા અન્યાય સામે ન્યાય મેળવવા હેતુસર અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા ધંધુકા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરેલી છે. જો આગામી ટૂંક સમયમાં મૃતક શિક્ષક પરિવારને રૂપિયા 1.5 લાખની સહાય મંડળી દ્વારા નહીં ચૂકવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર લડત આપવામાં આવશે તેમ પ્રમુખ રાકેશકુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.