ગુજરાત

gujarat

ETV Bharat / city

આખરે કેમ્પના હનુમાન મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા, આગામી સોમવારથી કરી શકાશે દર્શન - Shahibag camp Hanuman temple

અમદાવાદના શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટમાં આવેલું પ્રખ્યાત કેમ્પના હનુમાન મંદિર આગામી સોમવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. આ મંદિર કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દર્શનાર્થીઓ માટે બંધ હતું. મંદિર ખોલવા અંગે મળેલી ટ્રસ્ટીઓ અને આર્મી અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે.

અમદાવાદ: કેમ્પના હનુમાન મંદિરના દ્વાર ભક્તો માટે ક્યારે ખૂલશે?
અમદાવાદ: કેમ્પના હનુમાન મંદિરના દ્વાર ભક્તો માટે ક્યારે ખૂલશે?

By

Published : Nov 17, 2020, 3:24 PM IST

Updated : Nov 18, 2020, 8:07 AM IST

  • કેમ્પના હનુમાન મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે
  • ચેરિટી કમિશનરનો હુકમ તેમજ આર્મીની મળી પરવાનગી
  • સવારે 6 વાગ્યાથી રાત્રે 8 સુધી કરી શકાશે દર્શન

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં આર્મી કેન્ટોન્મેન્ટની અંદર આવેલું કેમ્પના હનુમાન મંદિર અંદાજે સાડા આઠ મહિનાથી બંધ હતું. અનલોકમાં મંદિરો ખોલવાની મંજૂરી મળતા હનુમાન ભક્તોની માગ હતી કે, કેમ્પના હનુમાન મંદિર પણ ખોલવામાં આવે. પણ ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ખોલવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા

આથી આ અંગે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે કોરોના ગાઈડ લાઇન્સના કડક પાલન સાથે મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં મંદિરમાં દર્શન કરી શકશે.

કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન થશે?

કોરોનાની માર્ગદર્શિકાના પાલન સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન, દરેક ભક્તો માટે માસ્ક ફરજિયાત, મંદિરમાં સેનિટાઈઝરની પૂરતી વ્યવસ્થા સાથે મંદિર ખોલવા માટે ચેરિટી કમિશનરે આદેશ કર્યો હતો. આ અગાઉ પણ ભક્તો માટે મંદિર ખોલવા અંગે ટ્રસ્ટી મંડળમાં વિવાદ પણ થયો હતો. બે મહિના પહેલા ભક્તોની માગ હતી કે મંદિર દર્શનાર્થે ખોલવું જોઈએ, તે માગ સાથે વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા

જવાનોની સુરક્ષાને કારણે મંદિર બંધ રખાયું હતું

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્મી કેન્ટોન્મેન્ટની અંદર આ મંદિર આવેલું છે, અને કેમ્પ હનુમાન મંદિરના મુખ્ય દરવાજા પાસે જ આર્મીના જવાનો દ્વારા સુરક્ષાનો પહેરો ભરવામાં આવે છે. મંદિર દર્શન કરવા જનારે આર્મીના નિયમોનું પણ પાલન કરવું પડે છે. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના કેસના પગલે આર્મીના વહીવટી કમાન્ડર તરફથી મંદિર વધુ સમય માટે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આથી મંદિર બંધ રખાયું હોવાનું જાણવા મળે છે. મંદિર ખોલવાના આ વિવાદમાં ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું પણ આપ્યું હતું.

દર શનિવારે ભક્તો નિયમિત દર્શન કરવાની ટેક રાખે છે

કેમ્પના હનુમાન મંદિર ખૂબ પ્રખ્યાત અને પ્રાચીન મંદિર છે. દર શનિવારે કેમ્પના હનુમાનજીના દર્શન કરવા અમદાવાદ અને શહેર બહારથી પણ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવતાં હોય છે. દર શનિવારે મંદિર બહાર લાંબી લાઈનો લાગે છે. અને તેને માટે તમામ વ્યવસ્થા સેનાના જવાનો સંભાળે છે. કેમ્પના હનુમાનજી શ્રદ્ધાથી આવતાં ભાવિક ભક્તોની અનેક મનોકામના પુરી કરી છે, જેથી ભક્તોને કેમ્પના હનુમાનજી પ્રત્યે અનેરી આસ્થા જોડાયેલી છે.

મંદિર ખોલવા માટે આર્મીની મંજૂરી જરૂરી છે

કેમ્પના હનુમાન મંદિર શરૂ કરવા માટે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે ચેરિટી કમિશનર તરફથી મંદિર શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જો કે આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આર્મી કેન્ટોનમેન્ટ ગેટમાંથી પસાર થતો હોવાથી આર્મીના અધિકારીઓ તરફથી મંદિર ખોલવાની પરવાનગી જરૂરી છે. હવે આ પરવાનગી મળી જતા આવતા સોમવારથી ભક્તો માટે કેમ્પના હનુમાન મંદિર ખુલી જશે. જેનો સમય સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

મંદિરની અંદર દર્શન કરીને ભક્તોએ બહાર નીકળી જવુ પડશે

કેમ્પના હનુમાન મંદિરમાં કોરોનાની તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. સેનિટાઇઝર અને થર્મલ ગનથી સ્ક્રિનિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. 200 ભક્તો એક સાથે મંદિરમાં પ્રવેશ કરી શકશે અને જેમ-જેમ ભક્તો બહાર આવશે તે પ્રમાણે બીજા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. મંદિરની અંદર કોઈપણ વ્યક્તિ વધારે સમય નહીં રોકાઇ શકે.

સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે જ દર્શન કરવા આવવું

જરૂર જણાશે તો મંદિર શરૂ થયા બાદ પોલીસની પણ મદદ લેવાશે અને લોકોની ભીડ મંદિર બહાર પણ ભેગી ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

Last Updated : Nov 18, 2020, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details