અમદાવાદ: રવિવારે સવારે 7 વાગ્યાથી શરૂ કરવામાં આવેલા જનતા કરફ્યૂમાં સમગ્ર દેશના લોકો જોડાયા છે, ત્યારે અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં પણ તાળા મારવામાં આવ્યાં હતાં અને સવારથી જ મંદિર ખોલવામાં આવ્યું નહોતું.
અમદાવાદઃ ભક્તો બંધ બારણે ભદ્રકાળી માતાના દર્શનાર્થે આવી રહ્યા છે - જનતા કરફ્યૂના તાજા સમાચાર
કોરોના નામના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા જનતા કરફ્યૂનેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને વહેલી સવારથી જ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત રસ્તાઓ પણ સૂમસાન લાગી રહ્યા છે. કોરોના કહેરને રોકવા માટે જનતા પણ ખૂબ જ મક્કમપણે સરકારની સાથે જોડાયેલી છે.
જનતા કરફ્યૂના આ સ્વયંભૂ બંધના પગલે આજે લોકો પણ બહાર નીકળ્યા નહોતા અને રસ્તાઓ પણ સૂમસાન જોવા મળ્યા હતા, પરંતુ આટલા ચૂસ્તપણે સ્વયંભૂ જનતા કરફ્યૂનો અમલ કરવામાં આવતો હોવા છતાં પણ ભદ્રકાળી મંદિરમાં છુટા છવાયા ભક્તો દ્વારા બંધ બારણે પણ માતાજીના દર્શન કરવા આવનારા ભક્તો જોવા મળ્યા હતા.
સમગ્ર દેશમાં જ્યારે જનતા કરફ્યૂનો માહોલ છે, ત્યારે પણ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા તેમને દર્શન કરવા ખેંચી લાવી છે. આ સાથે જ ભક્તોના મનમાં એક અતૂટ શ્રદ્ધા પણ છે, જે વાઇરસ વચ્ચે પણ માતાના દર્શનાર્થે ભક્તોને ખેંચી લાવે છે.