AMCની હદમાં સમાવવામાં આવેલા નવા વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ થશે: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટ
આગામી ઓકટોબર- નવેમ્બરમાં આવી રહેલી સામાન્ય ચૂંટણી પહેલાં લાંબા સમયથી રાજ્ય સરકારના ટેબલ ઉપર પડેલા નવા સીમાંકનને આખરે સરકારે મંજૂરીની મ્હોર મારી છે, અમદાવાદમાં બોપલ-ઘુમા નગરપાલિકા, ચિલોડા-નરોડા (સીટી) અને કઠવાડા ગ્રામ પંચાયતો સમગ્ર વિસ્તાર તેમજ સનાથળ, વિસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસીયા, રણાસણ અને ખોડિયાર વગેરે ગામોના રીંગરોડની અંદર આવતા સર્વે નંબરોની મ્યુનિ.ની હદમાં સમાવી લેવામાં આવ્યાં છે.
અમદાવાદઃ નવા સીમાંકનથી અમદાવાદ મ્યુનિ.ના હાલના 466 ચો.કિલોમીટરના વિસ્તારમાં 100 ચો.કિલોમીટરનો વધારો થતાં કુલ ક્ષેત્રફળ 566 ચો.કિલોમીટર જેટલું થઇ જશે. આનો અર્થ એ થયો સરકારે મ્યુનિ.ની ચૂંટણીની કાર્યવાહી આરંભી દીધી છે. બીજી તરફ મ્યુનિ.ના હાલના 48 વોર્ડની પુન: રચના પણ કરવાની થશે. વોર્ડ સિમાંકનમાં નવા વોર્ડ રચવાના બદલે નજીકના હાલના વોર્ડમાં જ નવા વિસ્તારોને સમાવી લેવા પ્રયત્નો થશે તેમ જણાય છે. નવા સીમાંકનથી સ્વભાવિક રીતે સત્તાધારી ભાજપ પક્ષને જ ચૂંટણીમાં સારો એવો ફાયદો થશે તેમ માનવામાં આવે છે.