- અસારવા વોર્ડમાં ગત પાંચ વર્ષમાં થયેલા કામો અંગે કાઉન્સલરે આપી વિગત
- ગત 30 વર્ષથી બિપિન પટેલ ભાજપમાં કાર્યરત
- 2015માં અઢી વર્ષ માટે હાઉસિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે બિપિન પટેલ
અમદાવાદ : બિપિન પટેલ અમદાવાદના અસારવા વોર્ડમાં ગત 4 ટર્મથી કાઉન્સલર તરીકે ચૂંટાઈ આવે છે. વર્ષ 2015ની ચૂંટણી જીત્યા બાદ 2.5 વર્ષની ટર્મ માટે હાઉસિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમને મળતા બજેટમાંથી સૌથી વધુ ખર્ચ તેમને ચાલીઓમાં પથ્થર પેવિંગ, સર્કલ રિનોવેશન અને ડ્રેનેજ પાણીના સામાન્ય કામકાજો પાછળ કર્યો થયા હોવાનું જણાવ્યું હતું.
બિપિન પટેલ સાથે સીધી વાતના અંશ
સવાલ -ગત પાંચ વર્ષમાં ક્યા ક્યા કામો તમારા વિસ્તારમાં થયા છે?
જવાબ - ગત વર્ષે અસારવા વોર્ડના આરોગ્ય કેન્દ્રનું રિનોવેશન કરવામાં આવ્યું છે, તેમજ વિસ્તારમાં દૂષિત પાણીના સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની પણ કામગીરી કરવામાં આવી છે. રૂપિયા 4 કરોડના ખર્ચે ચમનપુરથી ભગવતી નગર સુધી ડ્રેનેજ લાઈન નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. લાંબા સમયથી ગુજરાત હાઉસિંગ અને AMC વચ્ચે સંકલનના અભાવે હાઉસિંગના રહીશોને પાણી મળતું ન હતું, પણ ત્યાં AMC સાથે બેઠક કરી ત્યાં પમ્પો નાખ્યા અને લોકોને પાણી મળતું થયું છે. ચોમાસામાં પાણી ન ભરાય તે માટે રામેશ્વર મંદિરથી કેમ્પ હનુમાન મંદિરથી સાબરમતી નદી સુધી લાઈન નાખવાનું કામ પણ પૂર્ણતાને આરે છે.
સવાલ - અસારવામાં મોટા ભાગે દૂષિત પાણીની સમસ્યા ખુબ વિકટ છે, આપે તે માટે શું કામગીરી કરી?
જવાબ - અસારવામાં ચાલી વિસ્તાર વધુ છે. 3-4 ફૂટની ગલીઓ હોવાને કારણે ગટર અને પીવાના પાણીની લાઈનનું પાણી મિક્સ થઇ જાય છે, પરંતુ જેમ જલ્દી થાય તેમ અને સમસ્યાનો નિકાલ લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ.