- વડાપ્રધાન મોદી કરશે ગુજરાતમાં 3 યોજનાઓનું ઇ-લોકાર્પણ
- આરોગ્ય, ઊર્જા, પ્રવાસન અને ખેડૂતલક્ષી 3 યોજનાઓ
- ગિરનાર રોપ વે યોજના પર છે સૌની નજર
- ખેડૂતોને દિવસે વીજપુરવઠો આપવામાં આવશે
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબર શનિવારે દિલ્હીથી જ જૂનાગઢના ગિરનાર રોપ વે અને સિવિલ હોસ્પિટલના બાળ હ્રદયરોગની હોસ્પિટલ અને કિસાન સૂર્યોદય યોજનાનું વર્ચ્યુઅલી લોકાપર્ણ કરશે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમો વિશે જાણવું રસપ્રદ થઇ રહેશે.
1. યુ.એન. મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ન્ટિટ્યૂટમાં વધુ સુસજ્જ બનાવાઇ
એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત યુ.એન. મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ન્ટિટ્યૂટને રૂ. 470 કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવાઈ છે. અહીં હવે 850 બેડની સુવિધા ઉપલબ્ધ બની છે. હવેના સમયમાં નવજાત બાળકોમાં પણ હૃદયરોગ સંબંધી તકલીફો જોવા મળતી હોય છે ત્યારે તેમને માટે પણ વિશેષ સગવડ કરવી જરુરી હતી. જેથી નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતાં હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે જેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન મોદી કરશે.
યુ.એન. મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ન્ટિટ્યૂટમાં વધુ સુસજ્જ બનાવાઇ 2. એશિયાના સૌથી મોટા રોપ વે નું ઇ-લોકાર્પણ
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ વેનું ઇ-લોકાર્પણ પણ 24 ઓક્ટોબરે જ થનાર છે. ગિરનારની ટોચ પર આવેલા ભગવાન દત્તાત્રેયના મંદિરના દર્શન માટે 10 હજારથી વધુ પગથિયાં ચડીને હાલ જવું પડે છે. જેથી સશક્ત લોકો જ અહીં આવી શકે છે. ત્યારે શારીરિક મુશ્કેલી હોય તેવા યાત્રિકો-વૃદ્ધો તેમજ બાળકોને આટલા પગથિયાં ચડવામાંથી મુક્તિ મળશે અને રોપ વેની સહેલગાહનો લાભ પણ લઇ શકાશે. ગુજરાતના ઘરેણાં સમાન એશિયાટીક લાયન જોવા માટે લાખો પર્યટકો દર વર્ષે ગુજરાત આવે છે તેમના માટે પણ આ રોપ વેનું નવું નજરાણું આહ્લાદક બની રહેશે. રોપ વે દ્વારા ગિરનારના જંગલને જોવાનો અનેરો લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે જેના લીધે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. આ દ્વારા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે.
એશિયાના સૌથી મોટા રોપ વે નું ઇ-લોકાર્પણ
રોપ વેની ખાસિયત
2.3 કિલોમીટરનો આ રોપ વે મંદિર માટેનો સૌથી મોટો રોપ વે છે. દેશમાં પેસેન્જર રોપ વેના ક્ષેત્રે પાયોનિયર ગણાતી કંપની ઉષા બ્રેકોએ આ રોપ વે વિકસાવ્યો છે. ગિરનાર રોપ વે એક કલાકમાં 800 લોકોનું અને એક દિવસમાં 8,000 લોકોનુ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. રોપ વેનું ભાડું સૌને પોસાશે કે કેમ એ તો શરુ થયાં બાદ જ જાણી શકાશે. પરંતુ કંપનીએ જ રોપ વેના ભાડાં નક્કી કર્યાં હોવાનું સામે આવ્યું છે. તેમાં જવાના અને પરત ફરવાના એમ ટુ વે રોપવેના ઉપયોગના 750 રુપિયા નક્કી કર્યા છે. જો એક જ વાર ઉપયોગ કરવો હશે તો 400 રુપિયા આપવાના રહેશે. જ્યારે બાળકો માટેની ટિકિટનો દર 350 રૂપિયા નક્કી કરાયો છે.
2.3 કિલોમીટરનો આ રોપ વે મંદિર માટેનો સૌથી મોટો રોપ વે છે
વૃદ્ધો માટે ગિરનારની યાત્રા વધુ સરળ બનશે
ગિરનાર રોપ વે દેશનો અત્યંત આધુનિક પેસેન્જર રોપ વે છે અને તેમાં નવ ટાવરનો સમાવેશ કરાયો છે. ગિરનાર રોપ વેનો હિસ્સો ગણાતી ગ્લાસ ફલોર સહિતની 25 કેબીનમાંની દરેક કેબીનમાં એક સાથે 8 પેસેન્જરનું વહન થઈ શકશે. હાલ પગથિયા વડે ગિરનારનું ચઢાણ કરતા કલાકોમાં પહોંચાય છે તેને બદલે નીચેથી ગિરનારની ટોચ પર અને ત્યાંથી નીચે માત્ર થોડીક મિનીટોમાં જ પહોંચી શકાશે. આ કારણે યાત્રિકો માટે ગિરનારની યાત્રા ખૂબ જ સરળ બની રહેશે અને વધુ લોકો ગિરનાર આવવા માટે આકર્ષાશે અને સૌરાષ્ટ્રમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. ઉષા બ્રેકો કંપનીએ ગુજરાતમાં આ મેગા ટુરિઝમ પ્રોજેકટની સ્થાપના માટે રૂપિયા 130 કરોડનું મૂડીરોકાણ કર્યુ છે.
જૂનાગઢના પ્રથમ નાગરિક ધીરુભાઈ ગોહિલનું નામ કપાયું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સીંગ વડે ઉદ્ઘાટન કરી રહ્યા હશે તે સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ગુજરાત સરકારના અન્ય વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ ઉદ્ઘાટન સમયે ગિરનારમાં હાજર રહેશે. જો કે ઉદ્ઘાટન સમારોહના નિમંત્રણ કાર્ડમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા અને જૂનાગઢના પ્રથમ નાગરિક ધીરુભાઈ ગોહિલનું નામ જોવા મળ્યું નથી ત્યારે વિવાદ થવો નક્કી છે.
3. કિસાન સૂર્યોદય યોજનાનો પણ શુભારંભ કરાવશે મોદી
ગુજરાતના ખેડૂતોની વર્ષો જૂની માગણી હતી કે સિંચાઇની સુવિધા માટે દિવસે વીજળી આપવામાં આવે, આ માગ પણ સરકારે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે 2 થી 3 હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પુરી પાડતી ‘‘કિસાન સૂર્યોદય યોજના’’ નો પણ આ જ દિવસે વડાપ્રધાન દ્વારા શુભારંભ કરાવાશે. રાજ્યના નાગરિકોને આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેની સિંચાઇ સુવિધા માટેના આ પ્રકલ્પોનું લોકાર્પણ થતાં રાજ્યના નાગરિકોની સુખાકારી વધશે અને વધુને વધુ સવલતો મળતી થશે.
કિસાન સૂર્યોદય યોજનાનો પણ શુભારંભ કરાવશે મોદી શું છે કિસાન સૂર્યોદય યોજના?
આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોની વર્ષો જૂની માગણી પૂર્ણ કરી છે. દિવસે વીજળી મળતાં ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે અને સાથે સાથે વીજળીની બચત પણ થશે. રાજ્યમાં હાલ 153 ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 કલાક દરમિયાન વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવે છે.
ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાની યોજના
કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો ભારત સરકાર દ્વારા વર્ષ 2022માં 175 ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે, જેમાં 100 ગીગાવોટ (1 લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા 75 ગીગાવોટ (75,000 મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ થાય છે. રાજય સરકાર દ્વારા બિન-પરંપરાગત ઊર્જા ઉત્પાદનોને (પવન અને સૌર ઊર્જા) પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભારતના પશ્ચિમ છેડે હોવાથી ભૌગોલિક દ્રષ્ટિએ બિનપરંપરાગત ઊર્જાનો સ્ત્રોતો ખાસ કરીને પવન અને સૌર ઊર્જાના ઉત્પાદન માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. રાજ્યની હાલની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા 3,128 મેગાવોટ છે, જે આગામી વર્ષોમાં 10,750 મેગાવોટ કરવાનું આયોજન છે.
સોલાર પાવરથી થશે વીજ ઉત્પાદન
સોલાર પાવર ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે. આવનારા સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે. રાજયમાં હાલ 17.25 લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને 153 જૂથોમાં વહેંચીને 8,400થી વધુ 11 કેવીના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ જૂથોને 24 કલાકમાં મહત્તમ 8 કલાકથી ફેઝ વીજ પુરવઠો અને 24 કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. આ જૂથોની એવી રીતે ફાળવણી કરવામાં આવે છે કે દરેક જૂથને અઠવાડિયા માટે દિવસના સમયગાળામાં ત્યારબાદના અઠવાડિયા માટે રાત્રિના કલાકો દરમિયાન અને પછીના બે અઠવાડિયા માટે આંશિક દિવસ અને આંશિક રાતના કલાકો દરમિયાન વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે. ખેડૂતોને રાત્રિ દરમિયાનના વીજ પુરવઠાના સમયે જીવ-જંતુ અને જનાવરનો ભય હોવાથી ખૂબ જ મુશ્કેલીઓ પડે છે.
દિવસે વીજળી આપવા સરકારે 3500 કરોડની જોગવાઈ કરી
ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય તે માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાના પડકારરૂપ કાર્યને ત્રણ વર્ષમાં પુરા કરવા માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે જરુરી માળખાકીય નેટવર્ક ઉભું કરવા માટે 2020-21ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂ.3500 કરોડની જોગવાઇ કરાવામાં આવી છે.
520 કરોડના ખર્ચે 11 નવા 220 કે. વી. સબસ્ટેશન, 1055 ગામડાંઓને આવરી લેવાયાં
ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં ગુજરાત સરકાર રુ. 520 કરોડના ખર્ચે 11 નવા 220 કે. વી. સબસ્ટેશન, રુ. 2444.94 કરોડના ખર્ચે 254 નવી 220 /132/ 66 કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1055 ગામડાંઓને આવરી લેવાયાં છે અને ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી પૂરી પાડવાનું આયોજન છે.