- સોલા સિવિલમાં ફરજ બજાવતા નર્સ હંમેશા On Duty
- લોકોને મદદ કરવા માટે તત્પર
- સતત રહે છે પ્રવૃતમય
અમદાવાદ: આપણા તબીબો અને સ્ટાફ કોરોના વોર્ડ (Corona Ward) માં સતત ડ્યુટી નિભાવે છે ત્યારે તેમની નિષ્ઠા અને કામગીરીનું મૂલ્ય જેટલું આંકીએ એટ્લું ઓછું છે. સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ વાસંતી પરમારનો સેવાયજ્ઞ માત્ર હોસ્પિટલ સુધી જ સિમિત નથી. તેમના પરિવારજનોની જેમ તેઓ આ સમયે દરકાર રાખે છે તેમ તેમની આસપાસ રહેતા પડોશીઓ માટે પણ તેઓ સતત પ્રવૃતમય છે.
ઘરમાં પણ On Duty
થોડા દિવસો પહેલા મોડી સાંજે તેઓ ઘેર હતાં ત્યારે તેમની સોસાયટીમાંથી એક ફોન આવ્યો અને સામે છેડે ગભરાતાં અવાજે સ્વર સંભળાયો ‘’ મેડમ, અમારું આખું ફેમિલી કોરોના પોઝિટીવ આવેલ છે, અમે પરિવારના બધા જ સભ્યો હોમ આઈશોલેશનમાં છીએ, પરંતુ ઘરનાં એક સભ્યને અત્યારે શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. અને અમે તેમને હોસ્પીટલમા જવાનું સમજાવીએ છીએ તો તે જવાની ના પાડે છે, તો તમે એમને સમજાવોને પ્લીઝ... તમે અમારી હેલ્પ કરશો? ‘’ દર્દીઓમાં હોસ્પિટલનો ડર દૂર કરીને સમજાવીને ત્વરિત દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી. તથા હોસ્પિટલમા તેમને ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થાઓ પણ કરાવી.
આ પણ વાંચો : નિ:સહાય પથારીવશ માતા માટે સંતાનની ભૂમિકા અદા કરતું જામનગર "સખી" વન સ્ટોપ સેન્ટર
અજાણ્યા માટે પણ એજ સેવા
વાસંતીબેનની સેવા કરવાની ધગશ માત્ર ઓળખીતા જ લોકો સુધી સિમિત નથી, એક દિવસ તેઓ સવારે નિત્યક્રમ મુજબ ફરજ પર આવવા નિકળ્યા ત્યારે સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે અકસ્માત થયેલો જોયો, અને આસપાસ લોકોનું ટોળું જોતા તુરંત જ પોતાનું વ્હિક્લ રોકીને તેઓ ઉભા રહ્યા અને નજીક જઈને જોયું તો એક 17 વર્ષનો નવયુવાન પીડાથી કણસતો હતો,અને નજીકમાં જ તેની બાઈક પડી હતી, અજાણ્યો કાર ચાલક તેની બાઈકને પૂરઝડપે ટક્કર મારીને જતો રહ્યો હતો. એના લીધે તેના હાથ, પગ ને મોં પર ખુબ ઇજાઓ પહોચી હતી અને લોહી વહી જઈ રહ્યું હતું. એ પહેલા રાહદારીઓએ અકસ્માત જોતાં તેને રોડ પરથી ઉભો કરીને ફૂટપાથ પર બેસાડ્યો અને પાણી પીવડાવ્યું. અને તાત્કાલિક ઇમરજન્સી સેવા 108 ને ફોન પણ કર્યો.
સતત પ્રયત્નશીલ
કોરોના વોર્ડના તેમના અનુભવો વિશે તેઓ કહે છે કે ‘’ કોરોના વોર્ડમા દર્દીની સાથે કોઇને રહેવાની મંજૂરી ન હોવાથી તેમને જોઈતી કોઈપણ વસ્તુઓ પહોંચાડવાનૂં કામ હોય કે તેમના દુ:ખમા સાંત્વના આપવાનું કામ હોય, હું સતત પ્રયત્નશીલ રહું છું કે તેમને અહીં હોસ્પિટલમાં હુંફાળું વાતાવરણ મળી રહે. ‘’ કહેવાય છે કે જ્યાં સુધી માનવ – માનવને મદદ કરવાની ઉમદા ભાવના રાખે છે ત્યાં સુધી માનવજાતનું જીવન વન જેવું લીલુંછમ બની રહેશે .