- ભાજપે રાજ્યસભાની એક બેઠક જીતવા માટે પેટા ચૂંટણી થોપીઃ અમિત ચાવડા
- કોંગ્રેસના તમામ ઉમેદવારો સારી પ્રતિભા ધરાવતા હતા - કોંગ્રેસ
- ભાઈ અને ભાઉ વચ્ચે લડાઈ છે, 8 બેઠકો પરની ચૂંટણીથી પરિણામ બદલાતું નથી - કોંગ્રેસ
કોંગ્રેસ પ્રમુખ બોલ્યા લોકશાહી અને બંધારણને બચાવવા માટે લડતા રહીશું
અમદાવાદઃ પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે રાજ્યસભાની 1 બેઠક જીતવા પેટા ચૂંટણી થોપી છે.
કોગ્રેસ હારનો અભ્યાસ કરશે
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, આ પેટાચૂંટણી આવી નથી લાવવામાં આવી છે, ભાજપે રાજ્યસભાની ફક્ત એક બેઠક જીતવા માટે આ ચૂંટણી લોકો પર થોપી છે. ગુજરાતના લોકો બેકારી, ભૂખમરો અને મોંઘવારીથી ત્રસ્ત છે. એક રીતે જોઈએ તો આ 8 બેઠકોની પેટા ચૂંટણી આ 8 મતવિસ્તારના લોકો સાથે થયેલો દ્રોહ છે. હવે લોકોનો ભાજપ સામેનો આ આક્રોશ મતમાં કેમ પરિણમ્યો તેનો અભ્યાસ કરીશું.
કોંગ્રેસ કાર્યકર્તાનો આભાર માન્યો
અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિરાશ થવાની જરૂર નથી. પક્ષપલટો કરનારને લોકો જવાબ આપશે તેવી આશા હતી. લોકશાહી અને સંવિધાન બચાવવા લડત લડતા રહીશું. કોંગ્રેસના કાર્યકર્તાઓને સલામ કરૂ છું. મતદારોએ જે કઈ મદદ કરી તે માટે આભાર માનુ છું. કોંગ્રેસ સત્તા માટે ક્યારેય કામ નથી કરતી. કોંગ્રેસ સિદ્ધાંતો માટે જ કામ કરે છે. જનતાએ આપેલા જનાદેશને સ્વિકારીએ છીંએ. વિજેતા ધારાસભ્યોને અભિનંદન પાઠવીએ છીંએ. આગામી સમયની રણનીતિ પર વિચાર કરીશું. હારના કારણોનો વિગતવાર અભ્યાસ કરીશું.