અમદાવાદઃ ઇસનપુર વિસ્તારની જયમાલા ચાર રસ્તા પાસેની ધનંજય સોસાયટીમાં કોરોનાની સ્થિતિમાં ખૂબ ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ ગઈ છે. દસ દિવસમાં એક જ ઘરમાં બે વ્યક્તિના મરણ થતા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. ધનંજય સોસાયટીમાં રહેતા આચાર્ય પરિવારના મોભી દસ દિવસ પહેલા મૃત્યુ પામ્યા.લગભગ નેવું વર્ષની ઉમરે હોસ્પીટલમાં તાવની સારવાર લેવા જતા કોરોના થશે એવી બીકમાં ઘરમાં જ સારવાર શરુ કરાઈ. પરંતુ કોરોનાના પડછાયામાં જ તેઓ મૃત્યુ પામ્યાં. એમની બીમારી પકડાયાં વિના જ અશકિતના લીધે તેઓ મૃત્યુ પામ્યા એવું લાગ્યું.
ઇસનપુર ધનંજય સોસાયટીમાં કોરોનાના મૃતક પરિવારની ઘેરી ચિંતા, ક્યારે મળશે મદદ? - ઈસનપુર
ઇસનપુરની ધનજંય સોસાયટીમાં કોરોના દર્દીના મૃત્યુ બાદ તેમના પરિવાર કે સોસાયટીને નથી ક્વોરન્ટાઈન કરાયાં કે નથી કોઇ અન્ય મદદ મળી. જેને લઇને તેઓ ભારે ચિંતામાં મૂકાયાં છે.
આજે ૨૬ મે બપોરના બાર વાગ્યા સુધી મૃત્યુ પામેલ કોરોના પેશન્ટનાં કુટુંબના સભ્યોને કવોરન્ટાઈન કરાયા નથી. તેમના સંપર્કમાં આવેલા લોકોની વાત દૂરની છે.બાજુના ઘરમાં રહેતાં આ જ પરિવારના કોરોના પોઝિટિવ મૃતકના ભાઇ તાવ અને ખાંસીની તકલીફમાં છે, ટેસ્ટિંગ કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે પણ ટેસ્ટ થયો નથી, કોઈ જ જાતની મદદ તંત્ર કરી શક્યું નથી. આજે એ ઘર બંધ છે, કોઈને જાણ કર્યા વિના એ પરિવાર અદ્રશ્ય થયો છે.
અગાઉ ધનંજય સોસાયટીમાં 13 મેના રોજ 2 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેઓને પણ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવો પડ્યો હતો.ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી. આ બે કોરોના પોઝિટિવ દર્દીના કુટુંબના સભ્યો પણ તાવ અને અન્ય લક્ષણો હોવા છતાં ટેસ્ટ કરાવી શકયા નહીં. ખાનગી લેબમાં ટેસ્ટ થાય એ માટેના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યાં.AMC હેલ્થ વિભાગ કે અન્ય કોઈ મદદ મળતી નથી. પાછલા દિવસોમાં અખબારોમાં આ અંગેના સમાચાર પ્રકાશિત થયા હોવા છતાં તંત્રની કોઈ મદદ મળી નથી, તંત્રના બહેરા કાને અથડાઈને બધી મદદની વિનંતીઓ પાછી આવી છે.