અમદાવાદઃ કોરોનાથી ઘણાં વેપારધંધા રોજગાર પ્રભાવિત થયાં એમાં હસ્તકળાના કારીગરોને પણ માઠી અસર પડી રહી છે. નવરાત્રિ શરૂ થાય એ પહેલાં જ દીવાળી માટે ઘરસજાવટ માટેની હેન્ડીક્રાફટની બનાવટના ઓર્ડર શરૂ થઇ જાય છે. ઝૂલા, ટેબલ, પલંગ,ખુરશીનું નકશીકામ કરતાં કારીગરો ગીતામંદિર જમાલપુર લાટી બજારની આસપાસ જોવા મળે છે. પરંતુ આ નવરાત્રિ શરૂ થાય એ પહેલાં આ માર્ગ પર મોટાભાગે મંદિરો જ બનતાં જોવા મળી રહ્યાં છે. બીજું નકશી, હસ્તકળાનું કામ નહિવત થઇ રહ્યું છે.
એક તો મહામારી'ને બીજી મંદી સામે ઝઝૂમી રહેલાં મંદિરો બનાવતાં કારીગરો... - ઈટીવી ભારત ગુજરાત
અમદાવાદ શહેરના જમાલપુરથી એસ.ટી.બસ સ્ટેન્ડ ગીતા મંદિર તરફ જતાં માર્ગ પર જ બંને બાજુ નાના મોટા મંદિર બનાવતાં અને વેચાણ કરતાં લોકો જોવા મળે છે. નવરાત્રિ મહોત્સવ અને દીવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં નકશી કામના કારીગરો મંદિરો બનાવી રહ્યાં છે. મંદિરોની સાથે હેન્ડીક્રાફટની જુદી જુદી ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરતાં કારીગરો માટે કોરોનાનો આ સમય કપરો સાબિત થયો છે.
મૂળ સહરાનપુરના મુસ્લિમ કારીગરો આ વિસ્તારોમાં લાકડાની હસ્તકળા સાથે મોટી સંખ્યામાં રોજગારી મેળવી રહ્યા છે. વીસ વર્ષથી અમદાવાદમાં લાકડાંના મંદિરો અને હેન્ડીક્રાફટની વિવિધ વસ્તુઓ બનાવી વેચાણ કરતાં અલી અહમદ કહે છે કે, કોરોનાકાળમાં મંદિરો બનાવવાનું તો શરૂ કરી દીધું છે. પરંતુ ઉત્સવો અને તહેવારોમાં પાબંધીને કારણે તેમ જ કોરોનાના સંક્રમણના ડરને કારણે પચાસ ટકા કરતાં પણ ઓછો ધંધો થાય એવી સંભાવના છે. આ વર્ષે દુકાનનું ભાડું, કારીગરના પૈસા ચૂકવવાની પણ ભારે મૂંઝવણ છે.
આ વિસ્તારમાં સેવન અને સાગ જેવા લાકડાંમાંથી હજારો નાના મોટા મંદિર બનીને તૈયાર છે. પરંતુ મંદી, કોરોનાની મહામારી સામે હસ્તકળા ઉદ્યોગ ઝઝૂમી રહ્યો છે. સુગ્રથિત માળખું ધરાવતાં, મોટા વ્યવસાયો ધરાવતાં લોકોને પોતાની સમસ્યા સત્તાધીશો સુધી પહોંચાડવાની સાંકળ કામ કરી આપતી હોય છે. પરંતુ આ કારીગરો જેવા નાનાનાના અસંગઠિત વ્યવસાયકારો માટે નાનકડી મંદી પણ મોટો ફટકો મારનાર નીવડતી હોય છે. મંદિરોનું સર્જન કરતાં આ કાષ્ઠ કારીગરો માટે પોતાની વાત મંદિરમાં બિરાજમાન થનારને કહેવું કે સરકારને અરજીઓ કરવાનો વિકલ્પ છે?