- 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં 100 ધારાસભ્યો શોધવાના છે: પાટીલ
- હું કોઈને કાપી ન શકું અને કોઈને આપી ન શકું: પાટીલ
- ધારાસભ્યોની વાત છે સીધા સાહેબ પાસે જ જાય
અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હસતા ચહેરે હિંમતનગરમાં જણાવ્યું કે, દરેક કાર્યકર ચૂંટણીમાં ટિકીટ માગી શકે છે અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 100 થી વધુ નવા ધારાસભ્યોને શોધવાના છે. પછી પાટીલે એમ પણ કહ્યું કે, અહીંયા બેઠેલા કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહી. ચૂંટણી માટે કયા ઉમેદવારને ટીકિટ આપવી કે નહી તે ભાજપનું હાઇકમાન્ડ નક્કી કરે છે, તે પણ સર્વે કરીને, જે ઉમદેવારે પ્રજાનો વિશ્વાસ મેળવ્યો હશે તેવા નવા ચહેરા તક આપવામાં આવશે અને એટલે ભાજપનો દરેક કાર્યકર પ્રજાની સાથે રહે તેમના કામ કરે અને તેમનો વિશ્વાસ સંપાદિત કરવાના પ્રયાસમાં જોતરાઇ જાય.
કયા 100 ધારાસભ્યો કપાશે ?
પાટીલે વધમાં કહ્યું હતું કે, આ તો ધારાસભ્યોની વાત છે એટલે સીધા સાહેબ જ આવે. ટિકીટ કપાય તો મારી પાસે આવતા નહી. હું કોઈને કાપી શકું નહી અને આપી પણ ન શકું. હાલ જાહેરમાં પાટીલે માસ્ટરસ્ટ્રોક મારી દીધો છે અને આ વાત રાજકીય રીતે ચર્ચાને ચગડોળે ચડી છે કે હવે 100 કયા ધારાસભ્યો કપાશે ? બીજુ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર જીતી હતી અને ત્યાર બાદ કોંગ્રેસમાંથી 13 ધારાસભ્યો ભાજપમાં આવ્યા, એટલે હાલ વિધાનસભામાં 112 બેઠકો સાથે બહુમતી ધરાવે છે.
ભાજપના બધા ધારાસભ્યો ટેન્શનમાં
હવે 2022 માં ગુજરાત વિધાનસભામાં 182 બેઠકોની ચૂંટણી યોજાશે, ત્યારે તેમાં પાટીલના નિવેદનથી નક્કી થયું છે કે 100 નવા ધારાસભ્યોને તક આપવામાં આવશે. તેનો ક્રાઈટેરિયા શું હશે ? તે તો ભાજપની રણનીતિ નક્કી હશે તે મુજબ જ થશે પણ જૂનાજોગીઓમાં 100 ધારાસભ્યો કપાશે તેનું શું ? અંદરખાને હાલ તો ચૂંટાયેલા ભાજપના જ 112 ધારાસભ્યો ટેન્શનમાં આવી ગયા હશે કે સાલુ આપણો નંબર તો આમાં નહી હોય ને ?
મોદીના નામે વોટ મળે છે
આ અગાઉ પાટીલ એમ પણ કહી ચુક્યા છે કે, મોદીના નામે વોટ મળે છે. આજે હિંમતનગરમાં તેમણે વાક્ય ફેરવીને કહ્યું છે કે, આપણી ભુલ હોય તો પણ મતદારો આપણી ભુલ માફ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને આપણને મત આપે છે. તેમનું કહેવું સ્પષ્ટ છે કે મોદીના નામે વોટ મળે છે, તમને જોઈને નહી.
પાટીલે કાર્યકરોમાં આશાવાદ જગાવ્યો
બીજી તરફ પાટીલનો માસ્ટર સ્ટ્રોક એટલા માટે કહી શકાય તે 100 નવા ધારાસભ્યોમાં કોણ ? એટલે તમામ કાર્યકરો પુરા જોશથી કામ કરવા લાગી જાય. આપણો નંબર પણ 100 માં આવી જાય. જેમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને લોટરી લાગી ગઈ અને નવા પ્રધાનમંડળમાં નવા જ ધારાસભ્યોને રાતોરાત પ્રધાનપદ મળી ગયું, તે રીતે આપણો પણ નંબર આવી જાય તો. ટિકીટ મળી જશે, તેવા વિશ્વાસ અને સપનામાં રાચતા ભાજપના જ કાર્યકરો વધુ સારી રીતે પ્રચારપ્રસારમાં લાગી જાય. પ્રજા વચ્ચે રહીને પ્રજાના જ કામ કરવા લાગી જાય. ટૂંકમાં પાટીલે કાર્યકરોને નવો આશાવાદ જગાવ્યો છે કે તમારો પણ નંબર આવી શકે છે.